- શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 23668 પર પહોંચી
રાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં તમામ હોસ્પિટલો કોરોના દર્દીથી ઉભરાઇ છે. 24 કલાકમાં વધુ 55 દર્દીના મોત થતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. છેલ્લા બે દિવસમાં રાજકોટમાં 114 દર્દીના મોત નીપજ્યાં છે. આથી હોસ્પિટલો મૃતદેહોથી ઉભરાઇ છે. શહેરની કોવિડ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓના ટપોટપ મોત નીપજી રહ્યાં છે.
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.એ 3 દિવસ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ
કોરોનાની ચેઇન તોડવા માટે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 16, 17 અને 18 એપ્રિલ એમ ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના 700 જેટલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ 3 દિવસ પરિવહન બંધ રાખશે. આથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓને 3 દિવસમાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચશે. તેમજ ગૌરીદળ ગામે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. આગામી 16થી 21 સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. કોઈ પણ ગ્રામજન દુકાન ખોલશે તો તેની પાસેથી 1000 રૂ.નો દંડ વસુલવામાં આવશે.
શહેરમાં કુલ કેસની સંખ્યા 23668 પર પહોંચી
રાજકોટમાં ગઇકાલે અધધ કહી શકાય તેમ 529 કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 23668 પર પહોંચી છે.. હાલ કોરોનાને પગલે બેડી માર્કેટિંગ યાર્ડ પણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખિયા પણ તેમના પૌત્ર સાથે કોરોના સંક્રમિત થયા થા છે. બે દિવસ પૂર્વે જ તેઓ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાને વેક્સિનેશન કેમ્પમાં મળ્યા હતા.

ગૌરીદળ ગામના લોકોની બેઠક મળી નિર્ણય લેવામાં આવ્યો.
હોમ ક્વોરન્ટીનનો ભંગ કરનાર સામે કાર્યવાહી
રાજકોટ મનપાની તપાસમાં નિયમ ભંગ કરતા 7 લોકો સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં કન્ટેનમેન્ટ અને માઈક્રો કન્ટેનમેન્ટમાં તપાસ કરતા લોકો જાહેરનામાંનો ભંગ કરીને ખુલ્લેઆમ ફરી રહ્યાં હતા. આ લોકો વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 3, ભક્તિનગર અને આજીડેમ પોલીસ સ્ટેશનમાં બે-બે ફરિયાદ નોંધાઇ છે.હાલ રાજકોટ શહેર- જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના મળીને કુલ 3044 બેડ કાર્યરત છે. હાલ 2858 દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ 186 બેડ ઉપલબ્ધ હોવાનું જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
ગઇકાલે નાના એવા જસદણમાં 90 કેસ નોંધાયા
ગઇકાલે નાના એવા જસદણમાં 90 કેસ નોંધાયા હતા. જેમાં જસદણના મામલતદાર પારસ વાંદાનો કોરોનાનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જસદણના મામલતદાર પારસ વાંદા ખાતાકીય પરીક્ષા આપવા માટે થોડા દિવસથી ગાંધીનગર ગયા હતા. ત્યાં તેમની સાથેના એક વ્યકિતને કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. જોકે ગઈકાલે મામલતદાર પારસ વાંદા જસદણ આવ્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી, બ્લોક હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વહીવટી તંત્રની મિટિંગમાં પણ હાજર રહ્યા હતા.