સુરતની બે વિદ્યાર્થીનીઓએ શોધી કાઢ્યો એસ્ટ્રોઇડ HLV2514, NASAએ આપી સ્વીકૃતિ

0
318

સુરતમાં ધોરણ 10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ એક એસ્ટ્રોઇડ શોધી કાઢ્યો છે. જેનું નામ NASAએ HLV2514 આપ્યું છે. જે ભવિષ્યમાં આપણી પૃથ્વી પાસેથી પસાર થશે. વૈદેહી વખેરિયા સંજયભાઇ અને રાધિકા લખાની પ્રફુલભાઇ નામની સુરતની આ બંને વિદ્યાર્થીનીઓએ NASAના એક આંતરરાષ્ટ્રીય અભિયાનમાં ભાગ લીધો હતો. આ બંને વિદ્યાર્થીનીઓ પીપી સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલમાં ભણે છે. તેમણે બે મહિનાના સાયન્સ પ્રોગ્રામ All India Asteroid Search Campaign 2020માં ભાગ લીધો હતો.

આ બે મહિનાનો પ્રોગ્રામ સ્પેસ ઈન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમણે International Astronomical Search Collaboration (IASC) અને Hardin Simmons University ટેક્સાસ સાથે કોલાબરેશન કર્યું હતું.

આ અભિયાનમાં વિદ્યાર્થીનીઓને બ્રહ્માંડમાં સ્થિર અને પરિભ્રમણ કરતા ગ્રહોની શોધખોળ કરવા માટેનું એક મિશન આપવામાં આવ્યું હતું, જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી 100થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આ બે વિદ્યાર્થીનીઓએ મંગળની નજીક ભ્રમણ કક્ષામાં ફરતો એક એસ્ટ્રોઇડ શોધી કાઢ્યો હતો. જેની NASAએ પણ સ્વીકૃતિ આપી દીધી છે. આ બંને ગુજરાતની પહેલી વિદ્યાર્થીનીઓ છે જેમણે આ પ્રકારનો પરિભ્રમણ કરતો એસ્ટ્રોઇડ શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે આ કામ દ્વારા સુરતનું ગૌરવ વધાર્યું છે.

એક મહિનાની મહેનત પછી આ બંને વિદ્યાર્થીનીઓએ એસ્ટ્રોઇડની શોધ કરી છે. સુરતની સ્પેસ સુરત એજન્સીએ NASA સાથે કોલાબરેશન કર્યું છે. જેમાં એસ્ટ્રોમેટ્રિકા સોફ્ટવેરની મદદથી તેમણે આ એસ્ટ્રોઇડ શોધી કાઢ્યો છે. એક મહિના સુધી અમેરિકાના હવાઇમાં આવેલા સૌથી વિશાળ હવાઇ કેલા ટેલિસ્કોપની મદદથી NASA દ્વારા વિદ્યાર્થીનીઓને સ્કાય ફોર્મેટમાં ડેટા આપવામાં આવ્યા હતા. આ ડેટા પર તેમણે એક મહિના સુધી વિષ્લેષણ કરી એસ્ટ્રોઇડ શોધી કાઢ્યો. એસ્ટ્રોઇડને શોધ્યા પછી હવે NASA દ્વારા તેની કક્ષા અંગે રિસર્ચ કરવામાં આવશે. રિસર્ચ પછી આ બંને વિદ્યાર્થીનીઓ પોતાના નામે એસ્ટ્રોઇડને રજિસ્ટર કરાવી શકશે.

સ્પેસ સુરતના એજ્યુકેટર આકાશ દ્વિવેદીએ કહ્યું કે, ભારતે ચાર વર્ષ પછી અને ગુજરાતે પહેલીવાર કોઇ એસ્ટ્રોઇડ શોધી કાઢ્યો છે. વૈદેહીના પિતા ટેક્સટાઇલ બિઝનેસમાં છે તો રાધિકાના પિતાનો કમ્પૂટરનો બિઝનેસ છે. વૈદેહીનો પરિવાર ભાવનગરનો છે તો રાધિકાનો પરિવાર અમરેલી જિલ્લાથી આવે છે. NASAએ આ બંને વિદ્યાર્થીનીઓને શોધને સ્વીકૃતિ આપી દીધી છે અને તેમને એક મેઇલ પણ મોકલ્યો છે. ત્યાર બાદથી આ બંને વિદ્યાર્થીઓને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here