ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નીતિન ભારદ્વાજ અને મેયર બીનાબેન આચાર્ય લપસી પડ્યા
રાજકોટ. રાજકોટ શહેર ભાજપ કાર્યાલયના ઇ-ભૂમિ પૂજન કાર્યક્રમમાં ખાડા પર રાખેલા લાકડાનું પાટીયું અચાનક તૂટી ગયું હતું. આથી પાટીયા પર ઉભેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નીતિન ભારદ્વાજ અને મેયર બીનાબેન આચાર્ય લપસી પડ્યા હતા. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ નીતિન ભારદ્વાજનો હાથ પકડી રાખ્યો હતો. જ્યારે એક મહિલા નીચે બેસી જાય છે.
નીતિન ભારદ્વાજે પગ મૂક્યો અને પાટીયું તૂ્ટયું
વીડિયોમાં પાટીયા પર મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને અન્ય એક મહિલા ઉભા હોય તેવું નજરે પડે છે. આ સમયે નીતિન ભારદ્વાજ પાટીયા પર આવવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનો હાથ પકડે છે. જેવા નીતિન ભારદ્વાજ પાટીયા પર પગ મૂકે છે અને પાટીયુ તૂટી જાય છે. જેમાં તમામ નેતાઓ લપસી પડે છે અને મોઢામાંથી ભયના શબ્દો સરી પડે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કાર્યાલયનું ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ઇ-ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાજપના નેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. કોરોનાની મહામારીમાં નેતાઓ એકબીજાથી દૂર ઉભા રહેવાને બદલે બાજુ બાજુમાં જ ઉભા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ હાજર રહ્યા હતા.
કાર્યાલયનું બાંધકામ દોઢ વર્ષમાં પૂરુ થશે
રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર વિભાગ, રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે કાર્યાલય નિર્માણ પામશે. કુલ 1913 ચો.મી.વિસ્તારમાં કાર્યાલય બનશે. જેમાં કુલ 5100 ચો.મી. જેટલું આર.સી.સી.નું ભૂકંપ પ્રુફ બાંધકામ કરવામાં આવશે. કાર્યાલયમાં સેલર, 3 માળનું બાંધકામ, સેલર પાર્કિંગ અને સ્ટોરરૂમ હશે. અંદાજીત દોઢ વર્ષના સમયગાળામાં કાર્યાલયનું બાંધકામ પૂર્ણ થશે.