રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પ્રવેશવા માટે ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં એકસાથે 40 એમ્બ્યુલન્સની લાઈન લાગી હતી. આ તસવીરથી કોરોના મહામારીએ કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેનો અંદાજ આવી શકે છે. આઘાતજનક વાત તો એ છે કે આ ફક્ત એમ્બ્યુલન્સોની વાત છે, તેમાં આસપાસના વિસ્તારોમાંથી ખાનગી વાહનોમાં આવેલા દર્દીઓ પણ સામેલ હતા. આ સ્થિતિમાં હોસ્પિટલના મેડિકલ ઓફિસરો એમ્બ્યુલન્સ સુધી આવીને જ ગંભીર દર્દીઓને ચકાસી લે છે અને સારવાર આપે છે. સામાન્ય દિવસોમાં 108 એમ્બ્યુલન્સ 10થી 20 મિનિટમાં જ દર્દીને સારવાર આપવા પહોંચી જાય છે, પરંતુ હાલ એકવાર કૉલ કર્યા પછી માંડ આઠ કલાકે 108ની સેવા મળે છે. હાલ 108ને રોજના સરેરાશ 350 કૉલ આવે છે. શુક્રવારે રાજકોટ કોર્પોરેશનમાં કોરોનાના 707 નવા કેસ આવ્યા હતા, જ્યારે 8ના મૃત્યુ થયા હતા.