રાજકોટમાં એક અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ગઇકાલે રાત્રે થોરાળા વિસ્તારમાં આવેલા એક કારખાનામાંથી કોઇ ઓકિસજનના બાટલા સમજીને ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. જોકે તે બાટલા ખરેખર ઓક્સિજનના નહિ પણ નાઇટ્રોજન ગેસના છે. કારખાનામાંથી પાંચ બાટલાની ચોરી થઈ છે. પાંચમાંથી ત્રણ ખાલી હતાં અને બે ભરેલા હતાં. જોકે આ ગેસને ઓકિસજન સમજી કોઇને આપવામાં આવે તો જીવનું જોખમ સર્જાઇ શકે છે. આવું ન થાય એ માટે શહેર ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાણ કરી ચેતાવવામાં આવ્યા છે.
મહત્વનું છે કે થોરાળા વિસ્તારમાં આવેલી શ્રીબાલકૃષ્ણ કોલ ઇન્ડસ્ટ્રી નામની ફેકટરીમાંથી અજાણ્યા શખ્સો ગઇકાલે તાળા તોડીને પાંચ ગેસ સિલિન્ડર ચોરી ગયા છે. જેમાં ત્રણ ખાલી છે અને બેમાં નાઇટ્રોજન ગેસ ભરેલો છે. આ બાટલાને કોઇ ઓકિસજનના સમજીને લઇ ગયું હશે કે પછી ભંગારમાં વેંચવા માટે કોઇ તસ્કર ચોરી ગયું હશે એ સ્પષ્ટ થયું નથી. પરંતુ જો ઓકિસજન સમજીને કોઇ દર્દીને નાઇટ્રોજન ગેસ આપી દે તો દર્દીનો જીવ પણ જઇ શકે તેમ હોય છે. આથી કોઇ આડેધડ આવા બાટલાનો ઉપયોગ પુરતી તપાસ વગર ન કરે તેવો અનુરોધ પોલીસે કર્યો છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ થોરાળા પોલીસ કારખાનામાં પહોંચી સીસીટીવી કેમેરા છે કે કેમ? તેમાં બાટલા ઉઠાવી જનારા દેખાય છે કે કેમ? તેની તપાસ શરૂ કરી છે. જે રીતે કોરોના ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે તેની સાથે ઓક્સિજનની પણ ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે.