- ભર તડકામાં શ્રમિકો પોતાના વતન જવા માટે ખાનગી બસની રાહ જોતા જોવા મળ્યા
કોરોનાની બીજી લહેરમાં ઉદ્યોગો અને રોજગાર પર માઠી અસર પહોંચી રહી છે. આથી રાજકોટમાં ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકોએ ફરી વતનની વાટ પકડી છે. મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો ગ્રીનલેન્ડ ચોકડીએ ખાનગી બસના સહારે વતન જવા માટે એકત્ર થયા છે. ભર તડકામાં શ્રમિકો પોતાના વતન જવા માટે ખાનગી બસની રાહ જોતા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટ ઉદ્યોગ પર શ્રમિકોની સમસ્યા ઉભી થવાને કારણે ધંધા-રોજગાર પર માઠી અસર પડી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
અમુક કારખાના-ધંધા બંધ થતા શ્રમિકો પોતાના વતન જવા રવાના
મહાદેવ ટ્રાવેલ્સના રાહુલ પુરોહિતે જણાવ્યું હતું કે, હાલ શ્રમિકો લોકડાઉનની બીકે અને અમુક કારખાના-ધંધા બંધ થતા પોતાના વતન જવા રવાના થયા છે. અમુક શ્રમિકોના ઘરે પ્રસંગ છે તો અમુકને લોકડાઉનની બીક છે. હાલ કારખાનામાં શ્રમિકોનો સ્ટાફ વધી જતા તે લોકોએ સાચવવા ન પડે તેનું પણ એક કારણ છે. લોકડાઉનના ડરને કારણે શ્રમિકો વતન ભણી રહ્યાં છે. શ્રમિકોને કોઇ પરેશાની ન આવે તે માટે પોતાની વ્યવસ્થામાં વતન જઇ રહ્યાં છે. શ્રમિકો પોતાના વતન સુરક્ષિત રીતે પહોંચી જાય તેની વ્યવસ્થામાં અમે લોકો હાજર છીએ.

ભર તડકામાં બસની રાહ જોતા શ્રમિકો.
રાજકોટ રેલવે સ્ટેશને શ્રમિકોની લાંબી લાઇન લાગે છે
ઉલ્લેખનીય છે કે, પરપ્રાંતીય લોકો પોતાના વતન જવા માટે છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ રેલવે સ્ટેશને લાંબી લાઇન લગાવી રહ્યાં છે. લોકડાઉનના ડરના કારણે શ્રમિકો પોતાના વતન જઇ રહ્યાંનું જાણવા મળઈ રહ્યું છે. શ્રમિકો કોઇને કોઇ બહાના બતાવી પોતાના વતન તરફ જઇ રહ્યાં છે. પરંતુ હાલ રાજકોટના અમુક ઉદ્યોગો બંધ થતા શ્રમિકોએ વતન તરફની વાટ પકડી છે.

ગ્રીનલેન્ડ ચોકડીએ મેળાવડો જામ્યો.