દાદીને સેન્ટરમાંથી ડિસ્ચાર્જ કરતી વખતે લાગણીસભર દૃશ્યો સર્જાયાં હતાં.
- ડિસ્ચાર્જ લેતાં વૃદ્ધાએ સારવારને બિરદાવી ડોક્ટરો-સ્ટાફ અને કાર્યકરોને આશીર્વાદ આપ્યા
સુરત સીંગણપોરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટર પર 5 દિવસની સારવાર લઈ સાજા થયેલાં 94 વર્ષના વૃદ્ધ માજીએ ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના સેવકોનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે મને ઘરે નથી જવું, અહીં જ રાખો, અહીં ઘર જેવો જ માહોલ છે, જે મને ગમે છે. આટલું સાંભળતાં તમામની આંખો છલકાય ગઈ હતી. ઓલપાડના રહેવાસી જડીબેનના ઘરે પૌત્રો પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમણમાં સપડાતાં હોમ ક્વોરન્ટીન કરી દેવાયા હતા. પૌત્ર જિતેન્દ્રભાઈએ કહ્યું હતું કે નવાઈની વાત એ છે કે રોજિંદા કસરત કરી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખતાં જડીબેન તેમના જીવનકાળ દરમિયાન બીમાર પડ્યા હોય એવા કોઈ કિસ્સા યાદ નથી. હાલ દાદી સુરતના એક સંબંધીને ત્યાં રહે છે.

કોરોનામુક્ત થયેલાં દાદીને ઘરે લઈ જવામાં આવ્યાં હતાં.
દાદીને આઈસોલેશન સેન્ટરમાં દાખલ કરેલાં
જિતેન્દ્રભાઈ (પૌત્ર)એ કહ્યું હતું કે અમે જામનગરના વતની છીએ. ખેતી કરી જીવન ગુજારતા આવ્યા છીએ. 30 વર્ષ પહેલાં દાદાના મૃત્યુ બાદ દાદીએ હિંમત ન હારી સંઘર્ષ સાથે પરિવારનું પાલનપોષણ કર્યું છે. દાદીના 94 વર્ષના કેરિયરમાં એ ક્યારેય બીમાર પડ્યા એ કહેવું મુશ્કેલ છે. જોકે હાલ તેમના પૌત્ર પરિવારના 5 સભ્યો કોરોના સંક્રમણમાં આવી જતાં હોમ ક્વોરન્ટી કરી દેવાયા હતા. ત્યાર બાદ દાદીની તબિયત બગડી એટલે હું વડોદરથી સુરત આવ્યો હતો. મિત્રોની સલાહ-સૂચન સાથે દાદીને કતારગામ સીંગણપોરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરાયાં હતાં.

સ્વસ્થ થયેલાં દાદીને વિદાય આપતાં સ્ટાફ પણ હરખથી રડી પડ્યો હતો.
સેન્ટરમાં સારી સારવાર મળી
5 દિવસ પહેલાં જ શરૂ થયેલા 25 બેડના સેન્ટરમાં દાદીએ પોતાની સારવાર કરતા ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સેવા-ચાકરી જોઈ એટલા પ્રભાવિત થયા કે રજા મળી હોવાની જાણ થતાં જ ડોક્ટરોને કહી દીધું, હું કશે નહિ જાઉં, મને અહીં જ ગમે છે, તમારી સેવાનો વધુ લાભ લેવો છે, આ સાંભળી આખું આઇસોલેશન સેન્ટર ભાવુક બની ગયું હતું. દાદીના એક જ વાક્યથી તમામ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

પરિવારના સભ્યોની જેમ દાદીની સેન્ટરમાં સારવાર કરવામાં આવી હતી.
94 વર્ષે પણ દાદી સ્વસ્થ છે
દાદી ભલે 94 વર્ષના છે, પણ ભલભલાને પાણી પીવડાવી દે તેવા છે. રોજ સવારે વહેલું ઊઠવાનું, બેસીને જે કસરત થાય એ કરવાની, સાદો ખોરાક જ લેવાનો, શુદ્ધ ઓક્સિજનવાળા માહોલમાં જ રહેવાનું અને ફ્રી થાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના પાઠ વાંચવાના, મનથી મજબૂત અને સૂઝબૂઝ સાથે જીવન જીવનારી દાદીએ કોરોનાને માત આપી. એ પણ તેમની હિંમત અને સેવાકીય વ્યક્તિઓની મહેનતના અમે આભારી છીએ, એમ વધુમાં પૌત્રએ જણાવ્યું હતું.