જામનગરના 481માં સ્થાપના દિવસ સૌરાષ્ટ્રનું પેરીસ, છોટીકાશી આવા ઉપનામો થી જાણીતું એવુંજામનગર

0
491

સૌરાષ્ટ્રનું પેરીસ, છોટીકાશી આવા ઉપનામો થી જાણીતું એવા જામનગર શહેરનો આજે સ્થાપના દિવસ…. જામનગર એ રાજાશાહી ની અમુલ્ય દેન સમું શહેર છે… જામનગરના પૂર્વ રાજવીઓ એ જામનગરની પ્રજાના હિત માટે કરેલા કાર્યો અને દૂરંદેશી આયોજનો નો લાભ આજે પણ જામનગર શહેર અને જીલ્લાના લોકોને મળે છે… જામનગર શહેર માં આજે પણ રાજાશાહી સમયની ભવ્ય અને કલાકારીગરી ના નમુના સમાન કેટલીય ઐતિહાસિક ઈમારતો જેવી કે ખંભાળિયા ગેટ, ભુજીયો કોઠો, લાખોટા તળાવ, માંડવીટાવર, પંચેશ્વરટાવર સહિતની ઈમારતો રાજાશાહી જીવંત હોવાનો પુરાવો આપે છે, ત્યારે આવા ઐતિહાસિક શહેર જામનગરનો આજે 481મો સ્થાપના દિવસ છે.

જામનગર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર સૌરાષ્ટ્રના ઉત્તર સીમાડે દરિયાકિનારે આવેલું છે. જામનગર ગુજરાતનાં મુખ્ય ચાર શહેરો પછીનાં મોટાં શહેરો પૈકીનું એક છે. જામનગર ખાતે જામનગર જિલ્લા તેમજ જામનગર તાલુકાનું વહીવટી મુખ્યમથક આવેલું છે. આ શહેરનું વહીવટી સંચાલન જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન કરે છે.

રંગમતી નદી કિનારે ઇ.સ 1540 શ્રાવણ સુદ સાતમનાં દિવસે શ્રી જામરાવળજી એ નવાનગર એટલે કે આજના જામનગરની સ્થાપના કરી હતી.

એક સમયે સૌરાષ્ટ્રના પેરિશ તરીકે ઓળખાતા જામનગરનાં લલાટે બાંધણી નો ઉદ્યોગ અને બ્રાસ ઉદ્યોગ જેવી સદનસીબી પણ લખાયેલી છે.

નાનકડા ખોબા જેવડા ગામમાં ક્ષત્રીયો, બ્રાહ્મણો, અને મુસ્લિમો વગેરે જેવી વિવિધ જ્ઞાતિઓ વસ્તી હતી. શેરીઓ, મંદિરો તેમજ બજારોથી આ નગર શોભાયમાન થઇને ઝળહળી ઉઠતું તેમાય પાછું લાખોટા તળાવ આ નગરને સૌંદર્ય અને પ્રાકૃતિકમાં જાન ફુકી દેતું.

જામનગરમાં રાજાશાહી સમયે બનેલા બેડી ગેઈટ, નાગનાથ ગેઈટ, કાલાવાડ ગેઈટ, ખોજા ગેઈટ એમ મુખ્ય ચાર દ્વાર હતા, તેમજ આશાપુરા ખડકી, મચ્છીપીઠની ખડકી, સૂરજ બારી, જેવી છ ખડકીઓ લોકોનાં અવર જવર તેમજ માલસામાનનાં હેરફેર માટે ઉપયોગ થતો હતો.

તેની સુરક્ષા માટે નગરની ચારેય બાજુ દિવાલો ઉભી કરવામાં આવી હતી જેને ગઢની રાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ નગરની અંદર અને નગરની આજુબાજુનાં વિસ્તારોમાં નઝર રાખવા માટે ભુજીયા કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. યુધ્ધમાં વપરાતાં દારૂગોળા અને મેગેંનીઝનો વિશાળ જથ્થો લાખોટા મહેલમાં મુકવામાં આવ્યો હતો.

આ દારૂગોળા અને મેગેંનીઝને લાખોટા મહેલમાં એટલા માટે રાખવામાં આવ્યો હતો કારણકે લાખોટા મહેલ ચારેય બાજુ પાણીથી ધેરાયેલો હતો.

નવાનગર એટલે હાલનાં જામનગરની સ્થાપના ઇ.સ 1540 માં કરવામાં આવી હતી અને ભારત સ્વતંત્ર થયું ત્યારે ઇ.સ 1948 માં નવાનગર ( જામનગર ) ભારત સાથે જોડાયું હતું. જામનગર નું વિસ્તાર લગભગ 9820 km² ( 3790 SQ MI ) માં ફેલાયેલું હતું.

નવાનગર ( જામનગર ) ની વસ્તીની વાત કરીએ તો ઇ.સ 1901 માં વસ્તી ગણતરી ( જનગણના ) મુંજબ 3,36,779 જેટલી હતી.

નવાનગર ( જામનગર ) પર જાડેજા કુળનાં હિન્દુ રાજવીઓનું રાજ હતું. આ રાજવીઓને જામ સાહિબ અથવા જામ સાહેબ તરીકે ઓળખવામાં આવતા હતા.નવાનગર અને કચ્છ સામ્રાજ્યનાં રાજાઓ એક જ વંશના હતા.

બ્રિટિશ રાજના શાશન દરમ્યાન નવાનગર ( જામનગર ) ને “15 તોપોની સલામીનું” માન આપવામાં આવતું હતું. જામનગર અંગ્રેજોના શાશન દરમ્યાન બોમ્બે પ્રેસિડેન્સી અંતગર્ત આવતું હતું. ( અંગ્રેજોના શાશન દરમ્યાન બોમ્બે પ્રેસિડેન્સીનું મેપ નીચે મુજબ છે.. )

જામનગર મંદિરના શહેર તરીકે પણ ઓળખવામાં આવતું હતું તેમાં લગભગ 500 જેટલાં મંદિરો હતા. એક હિન્દુ પ્રભુત્વ ધરાવતું શહેલ અને ધણા બધા મંદિરો હોવાથી જામનગર “છોટી કાશી” તરીકે પણ ઓળખાતું. ભગવાન અને દેવી-દેવતાઓનાં વિવિઘ મંદિરો ઉપરાંત પ્રણામી સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ હવાલી ( સંપ્રદાય ), આર્ય સમાજ, કબીર આશ્રમ, અને આણંદાબાવા આશ્રમ જેવા વિવિધ રાજવંશના મોટા મંદિરો છે.

જામનગરના મોટાભાગના રહેવાસીઓ ગુજરાતી છે અને ગુજરાતી ભાષા બોલે છે. વસ્તીનો એક નાનો ભાગ કચ્છી ભાષા બોલે છે, જે ગુજરાતી લિપિમાં લખાય છે. કાઠિયાવાડી બોલી દૈનિક સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે.  

ભારતનું એકમાત્ર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જામનગર નજીક, પીરોટન બેટ પર આવેલું છે. જામનગર તેના ચાર આરસના જૈન મંદિરો માટે જાણીતું છે: વર્ધમાન શાહનું મંદિર, રૈસી શાહનું મંદિર, શેઠનું મંદિર અને વાસુપૂજ્ય સ્વામીનું મંદિર; જે ૧૫૭૪ થી ૧૬૨૨ વચ્ચે બાંધવામાં આવ્યા હતાં.

જામનગરના બાલા હનુમાન મંદિરને “રામ ધૂન” (૧ ઓગસ્ટ ૧૯૬૪થી) ના લાંબા સમય સુધી સતત જાપ કરવા માટે ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સૂચિબદ્ધ કરાયું છે. ગિનીસ બુક રેકોર્ડ્સમાં જામનગરના શ્રી જલારામ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટો રોટલા, જેનું વજન ૬૩.૯૯૯૯ કિગ્રા છે, નો સમાવેશ થાય છે. જે ૧૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ બનાવવામાં આવ્યો હતો. જામનગર શહેરના ઘણાં મંદિરોને કારણે અને લોકો આધ્યાત્મિકતા અને વૈવિધ્યસભર ધર્મો તરફ વળેલા હોવાને કારણે “છોટી કાશી” તરીકે પ્રખ્યાત છે.

આચાર્ય શ્રી મનહરલાલજી મહારાજશ્રી દ્વારા સ્થાપિત ગીતા વિદ્યાલયની 5 શાખાઓ અહીં આવેલી છે. જે શ્રીમદ્ ભાગવત ગીતા, રામાયણ વગેરેના ઉપદેશો વડે ૮ થી ૧૮ વર્ષના બાળકોના સંતુલિત શારીરિક અને માનસિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

તો આ હતી જામનગર ના સુવર્ણ ઈતિહાસ ની થોડી ઝાંખી.  તો  જામનગર ની માહિતી અને ખબરો માટે અમારી સાથે જોયેલા રહો.  ન્યુઝ અપડેટ મીડિયા પર.

અહેવાલ : સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here