રાજકોટ : કોરોના સંકટમાં પણ નકલી તબીબોનો કહેર યથાવત છે. નકલી તબીબો કોરોનાની પણ સારવાર કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. રાજકોટમાં ફરી એકવાર નકલી તબીબ ઝડપાયો છે. રાજકોટમાં નકલી તબીબે રેસ્ટોરન્ટમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી અને કોરોના દર્દીઓની સારવાર કરતો હતો. નકલી તબીબ શ્યામ રાજાણી અને પિતા હેમંત રાજાણી સામે આ પહેલા પણ બોગસ તબીબ અને સિવિલ હોસ્પિટલમાંથી દવા ચોરી કરી હોવાનો ગુનો પણ નોંધાયો હતો. નકલી ડોક્ટર હેમંત રાજાણીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી હેમંત રાજાણી અને તેનો પુત્ર શ્યામ રાજાણી રેસ્ટોરેન્ટમાં કોઈપણ જાતની મંજૂરી વગર કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. નકલી ડોક્ટર બની દર્દીઓ પાસેથી એક દિવસના 18 હજાર રૂપિયા ચાર્જ વસુલતા હતા. હાલ તો પિતા હેમંત રાજાણીની ધરપકડ કરવામાં આવી છે અને પુત્ર શ્યામ રાજાણીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
નકલી પિતાપુત્ર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર કરાઈ રહી હતી. રેસ્ટોરન્ટમા ચાલતી આ હોસ્પિટલમાં કોરોનાના કેટલાક પોઝિટિવ દર્દીઓ દાખલ હતા. તો કેટલાક દર્દીઓને ઓક્સિજન સિલિન્ડરથી સપ્લાય આપવામાં આવી રહ્યો હતો. તો કેટલાકના શરીર પર બાટલા ચઢાવાયેલા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, શ્યામ હેમંતભાઈ રાજાણી આ કોરોનાના દર્દીઓની સારવાર કરે છે. તેમજ હેમંતભાઇ રાજાણી પોતાના દીકરાને આમાં મદદ કરે છે.