નવી દિલ્હી: LPG ગેસ સિલિન્ડરના બુકિંગને લઈને ગત વર્ષે 1 નવેમ્બર 2020થી કેટલાક ફેરફાર લાગુ થયા હતા. જેમા ગેસ સિલિન્ડરના બુકિંગ માટે OTP બેસ્ડ કરવામાં આવ્યું હતું. જેનાથી બુકિંગ સિસ્ટમ વધુ સુરક્ષિત અને સારી થઈ શકે. હવે એકવાર ફરીથી LPG બુકિંગ અને ડિલિવરી સિસ્ટમને વધુ સરળ બનાવવાની તૈયારી થઈ રહી છે.
સરકાર અને ઓઈલ કંપનીઓ એ વાત પર વિચાર કરી રહી છે કે ગ્રાહકો માટે LPG ગેસ બુકિંગ અને રિફિલની આખી પ્રક્રિયા કેવી રીતે સરળ અને તેજ કરવામાં આવે. સૂત્રોના હવાલે માહિતી મળી છે કે ગત વર્ષે જ્યારે LPG ના નવા નિયમો પર ચર્ચા થઈ રહી હતી ત્યારે એ વાત ઉપર પણ વિચાર કરવામાં આવ્યો કે LPG રિફિલ માટે ગ્રાહકો ફક્ત પોતાની જ ગેસ એજન્સી પર નિર્ભર ન રહે. તેની નજીક જે પણ બીજી ગેસ એજન્સી હોય તેના દ્વારા તેઓ LPG સિલિન્ડર રિફિલ કરાવી લે. સરકાર અને ઓઈલ કંપનીઓ આ માટે એક ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ તૈયાર કરશે.
અનેકવાર ગ્રાહકોએ પોતાની જ ગેસ એજન્સીથી બુકિંગ બાદ રિફિલ માટે લાંબી રાહ જોવી પડે છે કારણ કે ગ્રાહકોની ગેસ એજન્સી તેના ઘરની નજીક ન હોઈ કોઈ અન્ય વિસ્તારમાં હોય છે. જ્યાંથી ડિલિવરી મળવામાં મોડું થાય તે સ્વાભાવિક છે. હવે એ વાત પર વિચાર થઈ રહ્યો છે કે ગ્રાહકની ગેસ એજન્સી કોઈ પણ હોય, તે રિફિલ કોઈ પણ ગેસ એજન્સી પાસે કરાવી શકે છે. ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ(BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ(HPCL) ત્રણ કંપનીઓ મળીને એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. સરકારે ઓઈલ કંપનીઓને આ અંગે નિર્દેશ પણ બહાર પાડ્યા છે.
આ ઉપરાંત હવે તમે 5 કિલોવાળા સિલિન્ડર કેનેક્શન માટે એડ્રસ પ્રુફની જરૂર નહીં પડે. આ નાના ગેસ સિલિન્ડરનો ફાયદો એવા લોકોને મળશે જે પ્રવાસી છે. તેમને આ માટે એડ્રસ પ્રુફની વ્યવસ્થા કરવી ખુબ મુશ્કેલ રહે છે. આવામાં આ સિસ્ટમ તેમના માટે સુવિધાજનક સાબિત થશે. આ નાના સિલિન્ડરને દેશભરના કોઈ પણ પોઈન્ટ ઓફ સેલ કે ડિસ્ટ્રિબ્યુટરશિપ લોકેશનથી રિફિલ કરાવી શકાય છે. જેનો અર્થ એ થયો કે તેને પેટ્રોલ પંપ પરથી પણ લઈ શકાય છે.