ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે ?

0
574

કોરોનાના વધતા કેસને કાબુમાં લેવા માટે ગુજરાત સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્ર સરકારનાના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકાના સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા મહત્વના નિર્ણયમાં હવેથી રાજ્યના 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂનો અમલ કરવા ગાઈડલાઈન બહાર પાડી છે.

આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ હતો તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કર્ફ્યૂ રહેશે. તદઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે.

શું ખુલ્લુ રહેશે ?

આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.

આ તમામ શહેરોમાં શું બંધ રહેશે ?

તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વિમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે. રાજ્ય સરકારે જાહેર કરેલા આ તમામ નિયમો આવતીકાલ 28 એપ્રિલથી 5 મે સુધી અમલી રહેશે. ત્યારબાદ રાજ્ય સરકાર નિયમો અંગેની નવી ગાઈડલાઈન જાહેર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here