કોરોના સમયમાં MBBSની ફાઈનલ યરની પરીક્ષાને લઈને વિરોધ, યુનિવર્સિટીએ કહ્યું, પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં

0
316
  • પરીક્ષાની તારીખ જાહેર કર્યાના સપ્તાહમાં પરીક્ષા, કોરોના થશે તો જવાબદાર કોણ? વિદ્યાર્થીઓના સવાલ
  • પ્રિલિમનરી પરીક્ષા મહિના પહેલા લેવાઈ છે, કોરોનાને લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરાશે- યુનિવર્સિટી

સુરત. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ચોથી ઓગસ્ટથી MBBS(બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી)ની ફાઈનલ યરની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. કોરોના સંકટ વચ્ચે પરીક્ષા લેવામાં આવી રહી હોવાથી વિદ્યાર્થીઓ મૂંજવણમાં મુકાયા છે. કોરોના થાય તો જવાબદાર કોણ? સાથે જ એક સપ્તાહ અગાઉ જ પરીક્ષાની તારીખો જાહેર થઈ હોવાથી રિવાઈઝ કરવાનો સમય ન મળ્યો હોવાની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જો કે, આ અંગે યુનિવર્સિટી કુલપતિ દ્વારા કહેવાયું છે કે, MCI(મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)ની ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ જ જાતની તકલીફ ન થાય તે પણ ધ્યાન રાખવામાં આવશે.

પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ
યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યા છે કે, પરીક્ષાની તારીખો માત્ર એક અઠવાડીયા અગાઉ જ જાહેર કરાઈ તે કેટલી યોગ્ય છે. વિદ્યાર્થીઓને રિવાઈઝ આ સમય ગાળામાં કેમ કરવું અને સુરત બહાર રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષા કઈ રીતે આપી શકશે. સાથે જ હાલ જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તેવા સમયે પરીક્ષા દરમિયાન કોરોના થાય તો જવાબદાર કોણ રહેશે. યુનિવર્સિટીએ ઉતાવળમાં પરીક્ષાની તારીખો જાહેર કરી છે વિદ્યાર્થીઓને રિવાઈઝ માટે સમય પણ આપ્યો નથી. આ બધા મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષા યોજાશે-કુલપતિ
યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે, MCIની ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષા યોજવામાં આવશે. સરકારના નિયમો પ્રમાણે ગુજરાત અને દેશભરમાં પરીક્ષાના આયોજન થઈ રહ્યાં છે.એ રીતે જ પરીક્ષા યોજાશે. બહારના વિદ્યાર્થીઓ માટે પણ યુનિવર્સિટી દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. કોઈને તકલીફ ન થાય અને વિદ્યાર્થીઓનું હિત જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં-ડીન
મેડિકલ ફેકલ્ટીના ઈન્ચાર્જ ડિન ડો. ચિન્ટુ ચૌધરીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં એક મહિના પહેલા જ ફાઈનલ યરના વિદ્યાર્થીઓની પ્રિલિમનરી પરીક્ષાઓ લેવાઈ ચુકી છે. વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી છે. 70 જેટલા વિદ્યાર્થીઓ છે. MCI, કોર્ટ અને UGC(યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના નિયમ પ્રમાણે પરીક્ષા લેવાય તે વિદ્યાર્થીઓના હિતમાં જ છે. પરીક્ષા કેન્સલ થાય તો પણ ફરીથી પરીક્ષા વગર તો તેમને અંતે તો નૂકસાન જ રહેવાનું છે. અમને વિદ્યાર્થીઓની ફરિયાદ મળી રહી છે જેના આધારે આખરી નિર્ણય કરવામાં આવશે.

અમે અગાઉ પણ રજૂઆત કરી ચુક્યા છીએ
વિદ્યાર્થી નેતા અને સિન્ડીકેટ સભ્ય ભાવેશ રબારીએ કહ્યું હતું કે, કોરોના સંક્રમણમાં અમે અગાઉ પણ રજૂઆત કરી હતી કે પરીક્ષાઓ ન લેવાય અને લેવાય તો માત્ર ઓનલાઈન જ લેવાય. પરંતુ UGCના નિમય મુજબ જો છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા લેવાની થતી હોય તો કોરોના ન ફેલાય તેની ગાઈડલાઈન મુજબ જ પરીક્ષા લેવી જોઈએ. વિદ્યાર્થીઓને રિવાઈઝનો સમય મળે તે માટે અમે ફરીથી રજૂઆત કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here