બાર દિવસ પછી હું સંપૂર્ણ સ્વસ્થ થઇને ઘરે જઇ રહયો છું : ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર લીધી હોત તો મને કદાચ લાખો રૂપિયાનો ખર્ચો આવત ચિરાગભાઇ વસોયા

0
443

કેન્સર કોવીડ હોસ્પિટલમાં પાંચ દિવસ વેન્ટિલેટર અને પાંચ દિવસ સુધી ઓકિસજન ઉપર રહીને કોરોના મૂક્ત બનતા ૩૪ વર્ષિય ચિરાગભાઈ

રાજકોટમાં સાઉન્ડ સિસ્ટમ ઓપરેટર તરીકે કામ કરતાં ૩૪ વર્ષના ચિરાગ રસિકભાઇ વસોયાને શરદી, ઉધરસ અને તાવ રહેતો હતો. ઘણાં દિવસ દવા લેવા છતાં પણ તબિયતમાં સુધારો થવાના બદલે વધુ બગડી. તેથી તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો તેમજ ફેફસાનો સિટિ સ્કેન પણ કરાવ્યો. જેમાં ડોકટરને કોરોનાનું સંક્રમણ દેખાયું. આથી શરૂઆતમાં તેઓ બે દિવસ સમરસ હોસ્ટેલમાં દાખલ થાય છે. પરંતુ ચિરાગભાઇને કૃત્રિમ શ્વાસોશ્વાસ ની માટે વેન્ટિલેટરની જરૂર હોવાથી તેઓને કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં શિફટ કરવામાં આવ્યા.

કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ચિરાગભાઈને પાંચ દિવસ સુધી વેન્ટિલેટર અને પાંચ દિવસ સુધી ઓકિસજન ઉપર રાખવામાં આવ્યા. પરંતુ ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.

ચિરાગભાઇ કહે છે કે, ‘આજ બાર દિવસ પછી હું સંપૂર્ણ સ્વસ્થ થઇને ઘરે જઇ રહયો છું. હું કોરોનાથી મુકત થઇ શકયો તેનું કારણ ડોકટર, નર્સ સહિતના મારી સારવાર કરનાર લોકો છે. મને એ ખબર છે કે જો હું મારી આ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગયો હોત તો મારે ખાનગી હોસ્પિટલના આઇસીયુનો રૂમ ચાર્જ, નર્સિંગ ચાર્જ, વેન્ટિલેટર ચાર્જ, બ્લડ ઇન્વેસ્ટીગેશન ચાર્જ, એકસરે – સિટિ સ્કેન ચાર્જ દૈનિક ધોરણે ચૂકવવો પડત. બાર દિવસની સારવાર માટે હજારો રૂપિયાનો ખર્ચો થાત. વેન્ટિલેટર અને ઓકિસજન આ બંને મશીન માટેના ખાસ પ્રકારના મોંધા માસ્ક, આ માસ્કને જોડતી નળીઓ વગેરેનો પણ હજારો રૂપિયાનો ખર્ચો મારે ભોગવવો પડત.

કોરોનાને હરાવવા માટે દર્દીને પૌષ્ટિક ખોરાકની જરૂર રહે છે. અને તેને ધ્યાને લઈ ચિરાગભાઈને હોસ્પિટલમાં બે વખત બપોરે અને રાત્રે આરોગ્યપ્રદ ભોજન અને સવાર-સાંજ પૌષ્ટીક નાસ્તો વિનામૂલ્યે આપવામાં આવતો. આ વિશે ચિરાગભાઈ કહે છે કે, જો ખાનગી હોસ્પિટલમાં હુ રહયો હોત તો મારે આ બાર દિવસ ખાવાપીવાના ખર્ચા પણ બિલમાં ચૂકવવા પડત અથવા તો મારા પરિવારજનોએ ત્રણેય સમયે મને ભોજન આપવા માટેના ધકકા ખાવા પડયા હોત.


ઉલ્લેખનિય છે કે, કેન્સર કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમિયાન તેમને હાથ-પગની કસરત કરાવવામાં આવે છે. આ ઉપરાંત પોતાની જાતે જમી ન શકતા દર્દીઓને એટેન્ડન્ટ દ્વારા જમાડવામાં પણ આવે છે. હોસ્પિટલની સ્વચ્છતા સહિતની દર્દીઓ માટે લેવામાં આવતી કાળજી સાથેની શ્રેષ્ઠ સારવારના પરિણામે આજે કેન્સર કોવીડ હોસ્પિટલમાંથી દર્દીઓ ઝડપથી સાજા થઈ પોતાના પરિજનો પાસે પરત જઈ રહયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here