જામનગર : સામાન્ય તાવ, શરદી કે ઉધરસ વાળા દર્દીઓ માટે જી.જી. હોસ્પિટલ ખાતે અલાયદી ફલૂ ઓ.પી.ડી. નો પ્રારંભ કરાયો

0
707

જામનગર હોસ્પિટલમાં આવેલ જૂની કોલેજ કેન્ટીન ખાતે સવારે ૮ થી સાંજના ૭ વાગ્યા સુધી આ ઓ.પી.ડી. કાર્યરત રહેશે

જામનગરઆહાલ કોવિડ સંક્રમણના અતિ વ્યાપના કારણે સરકારી દવાખાનાઓ ખાતે દર્દીઓનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પણ કોવિડ સહિતના રોગોના દર્દીઓની ઓ.પી.ડી. સંખ્યામાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે ત્યારે જી.જી.હોસ્પિટલ દ્વારા દર્દીઓને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય તેમજ કોરોના સંક્રમણ પણ ફેલાતું અટકે તે હેતુથી જી.જી. હોસ્પિટલ ખાતે જ નવી ફ્લુ ઓ.પી.ડી. શરૂ કરી એક નવતર પહેલ આરંભાઈ છે.


       આ અંગેની વધુ વિગતો આપતાં ડીન નંદિની દેસાઈએ જણાવ્યું છે કે જી. જી. હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં હાલ કોવિડ સંક્રમણના થયેલ વધારાને કારણે દૈનિક અંદાજે ૭૦૦ દર્દીઓની ઓ.પી.ડી. રહે છે જેમાં ૫૦ ટકા ઉપર ક્રિટિકલ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે.આથી અત્યારે હોસ્પિટલમાં એવા દર્દીઓ કે જેઓને માત્ર તાવ, શરદી કે ઉધરસની સામાન્ય તકલીફ છે તેઓને સારવાર અંગે કોઈ હાલાકી ન પડે તે હેતુથી તેઓ માટે એસ.બી.આઇ. એ.ટી.એમ. ની સામે જૂની કોલેજ કેન્ટીન ખાતે અલાયદી ઓ.પી.ડી. ની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઓ.પી.ડી. નો સમય સવારે ૮ થી સાંજના ૭ વાગ્યા સુધીનો રહેશે જેનો જાહેર જનતાને લાભ લેવા ડીન દ્વારા અનુરોધ કરાયો છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર