જામનગર :ડેન્ગ્યુના મચ્છરો ન થવા દેતા, નહીં તો પાલિકા રૂા. 200 થી 500નો દંડ કરશે

0
419

મ્યુ.કો: સફાઇ કાર્યવાહી કરી વહીવટી ખર્ચ આસામી પાસેથી સ્થળ પર જ વસૂલ કરશે
30 સપ્ટેમ્બર સુધી અમલવારી ચાલુ રહેશે


 કોરોના મહામારી વચ્ચે ડેન્ગ્યુનો રોગચાળો ન ફેલાય તે માટે જામનગર મહાનગરપાલિકાએ આકરૂં પગલું લીધું છે. જે અંતર્ગત કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામાં મુજબ શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુના મચ્છરોના ઉત્પતિ સ્થાનોનો નિકાલ અને સફાઇ નહીં કરનાર આસામી પાસેથી રૂ.200 થી 500 વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે. જામ્યુકો સફાઇ કાર્યવાહી કરી વહીવટી ખર્ચ આસામી પાસેથી સ્થળ પર જ વસૂલ કરશે અને 30 સપ્ટેમ્બર સુધી અમલવારી ચાલુ રહેશે. જો આસામી સ્થળ પર વહીવટી ખર્ચની રકમ ભરપાઇ નહીં કરે તો મિલકત વેરામાં બોજા તરીકે ઉમેરી વસુલાશે.

જો સ્થળ પર વહિવટી ખર્ચની રકમ ભરપાઇ નહીં કરાય તો મિલકત વેરામાં બોજા તરીકે ઉમેરી વસૂલાશે
ચોમાસા દરમ્યાન ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગ ફેલાવાની શકયતા અનેક ગણી વધી જાય છે. હાલમાં જામનગરમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે ત્યારે તેની જો ડેન્ગ્યુના કેસ વધે તો જાહેર આરોગ્ય વધુ જોખમાય અને હોસ્પિટલો પર ભારણ વધી શકે છે. ડેન્ગ્યુના દર્દીઓ જો કોરોનાથી સંક્રમીત થાય તો બિમારી વધુ ઘાતક બની શકે છે. આથી ડેન્ગ્યુનો ફેલાવો અટકાવવા મનપાના કમિશ્નર સતીષ પટેલે જાહેરનામું બહાર પાડયું છે. જે અનુસાર શહેરમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ, ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર સીધી રીતે જવાબદાર ગણાશે. આટલું જ નહીં જો મચ્છરોના ઉત્પતિ સ્થાનોનો નિકાલ અથવા સફાઇ આસામી દ્વારા નહીં કરવામાં આવે અને ડેન્ગ્યુ કે કોરોના જેવા રોગ ફેલાશે તો મનપા મચ્છરોના ઉત્પતિ સ્થાનોનો નિકાલ કરશે અને આ સબબ આસામી પાસેથી રૂ.200 થી 500 વહીવટી ચાર્જ સ્થળ પર વસૂલ કરશે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

ચોખ્ખા પાણીમાં મચ્છરોની ઉત્પતિ, ડેન્ગ્યુથી મૃત્યુ પણ થઇ શકે છે
ડેન્ગ્યુના મચ્છરોની ઉત્પતિ સંગ્રહ થયેલા ખુલ્લા અને ચોખ્ખા પાણીમાં થાય છે. પાણીના ખુલ્લા પાત્રો, પક્ષીને પીવા માટે ભરીને રાખેલા પક્ષીકુંજ, ગાયને પાણી પીવા માટે ભરવામાં આવતી પાણીની કુંડી, અવેડા, ઘરની આજુબાજુ કે છત પર પડેલા ભંગાર, કાટમાળમાં ભરાતું પાણી, ખુલ્લામાં રાખેલા ટાયરો, ફ્રીજ પાછળ પાણી માટેની ટ્રે વગેરેમાં મચ્છરો ઇંડા મૂકે છે અને તેમાંથી મચ્છરના લારવા બની પુખ્ત મચ્છર ઉતપન્ન થાય છે. આ મચ્છરથી મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ થતાં વ્યકિત ગંભીર બિમારીમાં સપડાઇને તેનું મૃત્યુ થવાની શકયતા પણ રહે છે.

કયાં સ્થળ માટે કેટલો વહીવટી ચાર્જ વસૂલાશે.
સ્થળચાર્જ(રૂપિયામાં)
રહેણાંક 200, વાણિજય. 400, જાહેરમાં ન્યુસન્સ કરતી વ્યકિત, સંસ્થા
ખુલ્લા પ્લોટ, બાંધકામના સ્થળો 500

ડેન્ગયુ મહામારીથી બચવા આટલી તકેદારી જરૂરી

  • છત પર કે તેની આસપાસ પડેલા ભંગાર, ટાયર વગેરેનો તાકીદે નિકાલ કરવો.
  • ઘરની આસપાસ ભરાયેલા પાણીનો નિકાલ કરવો.
  • જુલાઇથી ડીસેમ્બર મહીના સુધી ગાયની કુંડી તથા પક્ષીકુંજ ભરવાનું ટાળીએ.
  • ફ્રીજ પાછળની ટ્રે સપ્તાહમાં બે વખત સાફ કરીએ.
  • ટાંકા, ટાંકી, માટલા વગેરે અઠવાડિયામાં બે વખત ઘસીને સાફ કરી, સૂકવીને ફરીથી ઉપયોગમાં લઇએ.
  • પાણીમાં મચ્છરના લારવા દેખાય તો તુરંત નાશ કરવો.

અહેવાલ:સાગર પટેલ, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here