કુદરતના ખોળે વસતા સંધી કલારિયાના લોકોની નિર્ભિક જીવની
ગ્રામજનોની જાગૃતિ અને આરોગ્ય વિભાગની સઘન કામગીરી : ઉપલેટાના સંધી કલારિયાગામ કોરોનાનો એક પણ કેસ નહીં
ગામડાની વાત આવે એટલે શુદ્ધ હવા, પાણી, ખોરાક અને કુદરતને ખોળે વસતા ચહેરા પર નિર્દોષ હાસ્ય અને દરિયાદિલી સાથેના લાગણીશીલ માણસોની કલ્પના મનમાં તાદ્રશ્ય થાય. છેલ્લા એક વર્ષથી કોરોનાએ સમગ્ર માનવજાત સામે રૌદ્ર સ્વરૂપ દેખાડતા સમગ્ર જનજીવન બદલાઈ ગયું છે. આ પ્રકોપ સામે શહેરની સાથોસાથ ગામડાંઓમાં પણ તેની અસર દેખાડી છે. પરંતુ કેટલાક ગામો એવા છે, જ્યાં આ કાળમુખો કોરોના જોજનો દૂર રહ્યો છે. જેમનું એક ગામ એટલે ઉપલેટા તાલુકાનું ૭૫૦ ની વસ્તી ધરાવતુ સંધી કલારિયા ગામ.

ગામને કોરોનામુક્ત રાખવાની સફળતાની ચાવી આપતા સરપંચ અબાભાઈ આલીભાઈ સંધી કહે છે કે, ગત વર્ષ જયારે કોરોના આવ્યો ત્યારથી ગામજનો જાગૃત બની જરૂરી તમામ તકેદારી રાખી રહ્યા છે. સરપંચ જણાવે છે કે, ગામમાં સામાજિક મેળાવડાઓ પર પ્રતિબંધ, ફેરિયાઓ તેમજ ગામ બહારના લોકોને આવવા પર પ્રતિબંધ, લોકોની બીમારી સબબ સતત ચકાસણી જેવા અનેક પગલાંઓ થકી કોરોના ગામમાં આવતા અટકાવ્યો છે. માત્ર એટલું જ નહીં, રમજાન માસ હોવા છતાં ગામની મસ્જિદ પણ બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટીઓએ લીધો છે. સ્વયં શિસ્ત જાળવી લોકો ઘરેથી જ નમાજ પઢી લે છે. શાકભાજી કરિયાણું ચાર પાંચ ઘર દીઠ કોઈ એક વ્યક્તિ જરૂર પ્રમાણે લાવી આપે છે. અન્ય લોકોના સંપર્કમાં બિનજરૂરી આવવાનું ખાસ ટાળવું જોઈએ, તેમ સરપંચ જણાવે છે.

કોલકી પી.એચ.સી. સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. હેપ્પી પટેલ આરોગ્ય વિભાગ દ્વારા કરાતી કામગીરી અંગે જણાવે છે કે, અમારા હેલ્થ સેન્ટર હેઠળ આવતા ગામોના લોકોમાં ઇન્ફર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશનથી કોરોના સંદર્ભે સઘન જનજાગૃતિ અભિયાન અમારી ટીમ દ્વારા ચલાવાયું. જેને પરિણામે લોકોમાં ખુબ જાગૃતિ આવી છે. ગામ લોકોને કોરોના અંગે સચોટ માર્ગદર્શન, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જેવી બાબતો સમજાવવામાં આવી રહી છે. ઉકાળા વિતરણ અને ઘરે-ઘરે સતત હેલ્થ ચેકઅપ કરવાની કામગીરીથી કોરોનાના કેસ સૌથી ઓછા છે. જયારે સંધી કલારિયા ગામમાં તો એક પણ કોરોનાનો કેસ નોંધાયો ન હોવાનું તેઓ ગૌરવ સાથે જણાવે છે.

મુખ્યમંત્રીએ જડમૂળથી કોરોના દૂર કરવા માટે શહેરોની સાથોસાથ તમામ ગામો કોરોનામુક્ત બને તે દિશામાં ખાસ અભિયાન ”મારુ ગામ કોરોના મુક્ત ગામ’ નો પ્રારંભ કરાવ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સંધી કલારિયામાં કોરોનાના એક પણ કેસ ન આવે, તેની કાળજી સાથે અન્ય ગામ માટે પ્રેરણાનો સંદેશ પુરો પાડે છે. રાજકુમાર