રાજકોટના કાગદડી ગામની સીમમાં સગીર વયની બે માસિયાઈ બહેનોએ ઝાડ સાથે દુપટ્ટો બાંધી સજોડે જિંદગી ટૂંકાવી

0
575

બંને બહેનોનું આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી

રાજકોટ. રાજકોટના કાગદડી ગામની સીમમાં સગીર વયની બે માસીયાઈ બહેનોએ અગમ્ય કારણોસર સજોડે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. પરિવારજનો સાથે ખેત મજૂરી કરતી માસિયાઈ બહેનો સાથે જ રહેતી અને બંનેને ખુબ જ બનતું હતું. ત્યારે ગઈકાલે સોમવારે બપોર બાદ ઘરેથી નીકળ્યા બાદ બાવળના ઝાડમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાને પગલે કુવાડવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. જો કે આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી
મળતી માહિતી મુજબ રાજકોટના કાગદડી ગામની સીમમાં પરિવાર સાથે ખેતી અને ખેત મજૂરી કામ કરતી સરિતા બાબુભાઈ ભુરીયા (ઉં.વ. 16) નામની સગીરા અને તેની માસીયાઈ બેન રાધિકા નગરીયા કલારા (ઉં.વ.13)એ કાગદડી ગામની સીમમાં આવેલા લવજીભાઈ પટેલની વાડી પાસે બાવળના ઝાડમાં ચૂંદડી બાંધી સજોડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા કાગદડી ગામની સીમમાં બંનેએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સરિતા મૂળ દાહોદના નવાનગર ગામની અને ત્રણ ભાઈ-બહેનમાં મોટી હતી. છ મહિના પહેલા જ પરિવારજનો સાથે કાગદડી ગામમાં વાડીમાં ખેત મજૂરી કામ કરવા આવી હતી. તેમજ રાધિકા 4 બેન અને એક ભાઈમાં વચેટ હતી. છેલ્લા બે વર્ષથી પરિવારજનો સાથે કાગદડી ગામે કનાભાઇની વાડીમાં ખેત મજૂરી કામ કરતી અને ત્યાં જ રહેતી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here