સમરસ કોવીડ કેર સેન્ટરમાંથી સ્વસ્થ બની ૫ દર્દીઓએ ઋણ અદા કરતા કહ્યું, આ લોકોએ અમારા પરિવાજનોની ગરજ સારી છે
જીવનમાં કોઈપણ ઉંમરે અને કોઈપણ પરિસ્થિતમાં ખુશ રહેવું મંત્ર સાથે સમરસ કોવીડ કેર સેન્ટરમાં છેલ્લા દસ દિવસથી દાખલ મદદઅલી ખોજા શાયરીના શોખીન છે. સારવાર બાદ તેઓ ઉત્સાહિત થઈ શાયરાના અંદાજમાં તેમને મળેલ સારવાર અને સમરસના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સેવા ભાવનાથી ખુશ થઈ જણાવે છે કે, અહીંના લોકોએ માતા, પિતા, બહેનની જેમ અમારો સ્નેહપૂર્વક ખ્યાલ રાખ્યો છે. અમને કોઈ અગવડ પડવા દીધી નથી. પ્રભુ આ લોકોને ખુબ સુખ આપે તેવી દુવા આપતા તેમને એક શાયરી કરતા કહ્યું હતું કે, કુછ રીસ્તે ઐસે ભી હોતે હૈ જિસમેં મુનાફા નહીં હોતા, મગર વો રીસ્તો કો અમર બના દેતે હૈ.
અન્ય એક વૃદ્ધ ગળગળા અવાજે કહે છે કે, સમરસમાં દાખલ થયા ત્યાં જ અમારો કોરોના મટી ગયો હોઈ તેવી લાગણી જન્મી હતી. સમરસ અમારા માટે બીજું ઘર હોઈ તેવી પ્રતીતિ આ વૃદ્ધોએ કરી હતી. સારવાર, ભોજન અને અન્ય સુવિધાઓમાં ક્યાંય ઉતારતું ન હોવાનું આ વૃદ્ધોએ ભારપૂર્વક જણાવ્યું હતું.
શ્રી હરિ ઓમ વૃદ્ધાશ્રમ – જેતપુરના મેનેજર સુધીરભાઈ મહેતા જિલ્લા વહીવટી તંત્ર અને સમગ્ર આરોગ્ય ટીમનો આભાર માનતા જણાવે છે કે, અમારે ત્યાં કોઈ વૃધ્ધાને કોરોના થાય તો સમરસમાં દ્વારા દર્દીઓને લાવવા લઈ જવા તેમજ તમામ સારવારની સુવિધા તંત્ર દ્વારા કરી આપવામાં આવે છે આ પહેલા પણ વૃદ્ધાશ્રમના ઘણા દર્દીઓને અહીં સારવાર સ્વાસ્થ્ય પૂરું પાડવામાં આવ્યું છે.
પીઠડીયા પી.એચ.સી. ની આરોગ્ય વિભાગની ટીમ સતત અમારા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન પૂરું પાડી રહી હોવાનું સુધીરભાઈ વધુમાં જણાવે છે.
સંસ્થાના સ્થાપક જેન્તીભાઇ જોશી જણાવે છે કે, અમારા વૃદ્ધાશ્રમમાં ૧૦૦ થી વધુ નિરાધાર વૃદ્ધોને અમે સહારો આપીએ છીએ. અમારો સમગ્ર પરિવાર આ વૃદ્ધોની એક પરિવારની માફક સેવા કરીએ છીએ.
સમરસ દ્વારા આ પહેલા પણ એક વૃદ્ધ સવિતાબેન ઉનાગરને કોરોના મુક્ત કરાયા છે. હાલ ૬૫ વર્ષના રમેશભાઈ ફૂલદાની, ૭૦ વર્ષીય નાગજીભાઈ બાવળીયા અને ૬૪ વર્ષીય મદદઅલી ખોજા સહીત ત્રણ દર્દીઓ પુનઃ વૃદ્ધાશ્રમ ખાતે સ્વસ્થ થઈ પરત ફર્યા છે. જયારે અન્ય બે દર્દીઓને બે દિવસ બાદ રજા આપવામાં આવશે તેમ સમરસ કેરના ડો. જયદીપ ભૂંડિયાએ જણાવ્યું છે.