જસદણ : કોરોના સંક્રમણને અટકાવવા કોલકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સઘન કામગીરી

0
290

૭૨૨૪ ટેસ્ટ અને ૪૭૪૨ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા

કોરોનાના આ કપરા સમયમાં પ્રત્યેક ગામ અને તેમાં વસતા ગ્રામજનો કોરોના સંક્રમણથી મૂક્ત રહે તે માટે આરોગ્ય કેન્દ્રો અને તેમા કામ કરતાં આરોગ્યકર્મીઓ નિષ્ઠાથી તેમની ફરજ બજાવી રહયાં છે. રાજકોટ જિલ્લાના આવા જ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર અને આરોગ્યકર્મીઓ દ્વારા લોકોના આરોગ્ય સુખાકારી માટેનું ખૂબ સારૂં કાર્ય કરવામાં આવી રહયું છે.

જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ કોલકી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. હેપ્પી પટેલના જણાવ્યા પ્રમાણે તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આરોગ્ય કેન્દ્રના કર્મીઓ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવે છે. આ સર્વે દરમિયાન કોઈ વ્યક્તિમાં કોવીડના પ્રાથમિક લક્ષણો જોવા મળે તો તેમને ટેસ્ટીંગ કરાવવા માટે સમજાવવામાં આવે છે. ત્યાર બાદ જો તેમનો રીપોર્ટ પોઝીટીવ આવે તો તુરંત જ તેમને દવાઓ તેમજ ઉકાળા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧,૪૯૮ લોકોના આર.ટી.પી.સી.આર. અને ૫,૭૨૬ લોકોના એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૭,૨૨૪ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ૪,૭૪૨ લોકોને રસીકરણ હેઠળ આાવરી લેવામાં આવ્યા છે.

કોરોનાની આ મહામારીના સમયમાં કોરોનાથી બચવા માટે શું કરવું અને જો કોરોના થાય તો પણ ગભરાયા વિના શું કાળજી લેવી તે બાબતથી ગ્રામજનોને અવગત કરવા આરોગ્યની ટીમ દ્વારા જનજાગૃતિનું કાર્ય પણ કરી મુખ્યમંત્રીની ‘‘મારૂં ગામ કોરોના મૂક્ત ગામ’’ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનું સંનિષ્ઠ કાર્ય કોલકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર અને આરોગ્યકર્મીની ટીમ દ્વારા કરવામાં આવી રહયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here