ભિલોડા. ગુજરાતમાં સતત કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજસ્થાનથી ગુજરાત આવતાં અને રાજસ્થાન જતા લોકો માટે એક બેડ ન્યૂઝ સામે આવ્યા છે. રાજસ્થાન સરકારે અચાનક જ રતનપુર બોર્ડર સીલ કરી દીધી છે. જેને પગલે રાજસ્થાનથી ગુજરાત આવતાં અને ગુજરાતથી રાજસ્થાન જતી તમામ ગાડીઓને રોકવામાં આવી રહી છે. જેથી લોકો બોર્ડ પર જ ફસાયા છે. બોર્ડર સીલ કરવા પાછળ રાજસ્થાનમાં ચાલતી રાજકીય ખેંચતાણ જવાબદાર હોવાની ચર્ચા ચાલી રહી છે.

વાહન ચાલકો પાસેથી પાસ માંગવામાં આવતા વાહન ચાલકો અટવાયા
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનચાલકોને અટકાવી દેવામાં આવ્યા છે અને તમામ ખાનગી વાહન ચાલકો પાસેથી પાસ માંગવામાં આવતા વાહન ચાલકો અટવાઈ પડ્યા છે આંતરરાજ્ય સરહદ બંધ કરવા પાછળ હાલ રાજસ્થાનમાં ચાલતો રાજકીય ડ્રામા જવાબદાર હોવાનુ વાહન ચાલકો માની રહ્યા છે.

ક્યાં જઈએ અને ક્યાંથી પાસ લઈ તે જ ખબર પડતી નથીઃ વાહન ચાલકો
રાજસ્થાનમાં 19 દિવસથી રાજકીય ડ્રામા રહ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત શનિવારે સાંજે રાજભવન જઇને રાજ્યપાલને મળ્યા હતા. મુખ્યમંત્રી ગેહલોતના સમર્થક ધારાસભ્યોએ સત્ર બોલાવવાની માંગને લઈને રાજભવનમાં ધરણાં શરૂ કર્યા છે ત્યારે એકાએક રાજસ્થાનની ગુજરાતને જોડતી આંતરરાજ્ય સરહદ સીલ કરી દેવાંમાં આવતા વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. જેથી વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં ફરવા કે કામકાજ અર્થે ગયેલા ગુજરાતીઓએ રાજસ્થાન વહીવટી તંત્રએ લીધેલા અચાનક નિર્ણયથી આંચકો અનુભવ્યો છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા અટકાવવામાં આવતા રતનપુર ચેકપોસ્ટ નજીક વાહનોનો ખડકલો થઈ ગયો છે. વાહનચાલકો મુજબ, તેમની પાસેથી રાજસ્થાન પોલીસ પાસ માંગી રહી છે ત્યારે હાલ ક્યાં જઈએ અને ક્યાંથી પાસ લઈ તે જ ખબર પડતી નથી. આ સિવાય કોઈ છૂટકારો પણ નથી.