રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે લીક્વિડ ઓક્સિજનને વેસ્ટ થતું અટકાવવા પ્લેટફોર્મનું નિર્માણ કરાયુ

0
391

રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીના સમયમાં ઓક્સિજનના વપરાશને ધ્યાને લઈ જિલ્લા પ્રશાસન દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે ઓક્સિજનની જરૂરીયાત મુજબ લીકવીડ ઓક્સિજન ટેન્કર મારફત ઉપલબ્ધ બનાવવામાં આવે છે. આ ઓક્સિજનનું ટેન્કર એક સમતળ સપાટી પર ઉભુ રહેતું હોવાના કારણે તેને ખાલી કરતા સમયે તેની અંદર રહેલો તમામ લીક્વીડ ઓક્સિજન બહાર નિકળી શકતો નહતો. જેના કારણે અંદાજિત ૮૦૦ થી ૧૨૦૦ લીટર જેટલો જથ્થો મટીરીયલ વેસ્ટ તરીકે ટેન્કરમાં જ પડ્યો રહેતો અને આ જથ્થોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાતો નહોતો.


જેને ધ્યાને લઈ આ મહામુલા પ્રાણવાયુના જથ્થાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય તે માટે, પી.ડી.યુ. હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પી.ડી.યુ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્કર ખાલી કરવા માટે ૮ ઇંચ ઉંચું, ૧૫ ફુટ લાંબું અને ૧૬ ફુટ પહોળુ લોખંડના એક મજબુત ઢાળવાળા પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ પ્રકારના પ્લેટફોર્મ પર ટેન્કર ઉભુ રાખવાથી, ટેન્કરનો આગળનો ભાગ ઊંચો રહે અને પાછળનો ભાગ નીચો રહે છે. જેથી ટેન્કરની અંદર રહેલો લીકવિડ ઓક્સિજનનો તમામ જથ્થો પાછળના ભાગ તરફ આવી જાય છે. જેના કારણે આ ટેન્કરની અંદર રહેલો તમામ લીક્વીડ ઓક્સીજનને આસાનીથી બહાર કાઢી શકાય છે. પ્લેટફોર્મના ટેકાના કારણે જે મટીરીયલ વેસ્ટ જતું હતું તેનો હવે સંપૂર્ણ ઉપયોગ થઈ શકે છે.