નદીઓમાંથી કોરોના સંદિગ્ધ સંક્રમિતોના શબ મળે તે કેટલું ખતરનાક, જાણો નિષ્ણાતોનું મંતવ્ય

0
702

નવી દિલ્હી ઉત્તર પ્રદેશના ગાઝીપુર અને બિહારના બક્સરમાં ગંગા નદીમાં તરતા મૃતદેહો મળવાથી ભારે હડકંપ મચ્યો છે. ઉત્તર પ્રદેશથી લઈને બિહારનું પ્રશાસન સમગ્ર કેસના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ આ મૃતદેહ પોતાના ક્ષેત્રના ન હોવાનો દાવો પણ કરી રહ્યા છે. ત્યારે નદીમાં કોરોના સંક્રમિતોના શંકાસ્પદ મૃતદેહ મળી આવે તે કેટલું જોખમી છે તે અંગે નિષ્ણાતોનું મંતવ્ય જાણવું જરૂર બની રહે છે. 

સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાોતથી લઈને અનેક દશકા સુધી ગંગા અંગે સંશોધન કરનારાઓ મૃતદેહ, ગંગા અને કોરોના અંગે શું કહે છે તે જાણીએ. કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામેલા લોકોની નદીમાં તરી રહેલી લાશના કારણે જનસામાન્ય પર જોખમ વધવાની આશંકા અંગે વરિષ્ઠ વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે, જ્યાં સુધી વાયરસને શરીરમાં હોસ્ટ નહીં મળે ત્યાં સુધી તેના ફેલાવાની કે વિકાસની આશંકા રાખવી યોગ્ય નથી. 

આઈસીએમઆરના ચેરમેન ડૉક્ટર બલરામ ભાર્ગવના કહેવા પ્રમાણે વાયરસના વિકાસ માટે જીવિત માનવ શરીર જરૂરી છે. જો માનવ શરીર મૃત છે તો તેમાં વાયરસના આગળ વિકાસ કે બ્રીડિંગની શક્યતા બહુ ઓછી છે. આ સંજોગોમાં બહુ ડરવા જેવું નથી પણ સતર્ક અને સજાગ રહેવું જરૂરી છે. 

ડૉ. ભાર્ગવે જણાવ્યું કે, પતિત પાવની ગંગાની વાત કરીએ તો ગંગામાં સામાન્ય રીતે જબરજસ્ત સ્વરૂપે એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે. હાલની જે સ્થિતિ છે તેમાં મોટા ભાગની જગ્યાએ ગંગાનું પાણી આચમન યોગ્ય પણ નથી, સ્નાન અને પીવાની તો વાત જ દૂર.

BHUના જંતુ વિજ્ઞાન વિભાગની જીન વિજ્ઞાની પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેએ જણાવ્યું કે, હજુ સુધી કોરોના વાયરસ અંગે જે પણ સ્ટડી થયું છે તેમાં આ ડીસિઝ વોટર બોર્ન છે તે વાત રિજેક્ટ કરવામાં આવી છે. તો જો પાણીમાં વાયરસ જાય તો પણ તેનો વ્યક્તિ પર કોઈ પ્રભાવ નહીં પડે. એક રીતે જોઈએ તો અનેક ગટરો ગંગામાં ઠલવાય છે. 

જો કે, BHUના મહામના માલવીય ગંગા રિસર્ચ સેન્ટરના ચેરમેન પ્રો. બીડી ત્રિપાઠીએ સંક્રમિત લાશોને ગંગામાં પ્રવાહિત કરવી તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. સાથે જ તેમણે તે ક્ષેત્રના લોકો ગંગા સ્નાન બંધ કરી દે અને ગંગાના પાણીનો પ્રયોગ બંધ કરે નહીં તો સંક્રમણનું જોખમ વધશે તેવી ચેતવણી આપી હતી.