શ્રી ખોડલધામ મંદીર મા એકતાના દર્શન: પરીસર પ્રકાશીત થયુ

0
1802

દીવડા પ્રગટાવી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે આપ્યો એકતાનો સંદેશો

કોરોના વાઇરસની મહામારીમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજ્યભરમાં થઈ રહ્યા છે સેવાકીય કાર્યો

કાગવડ,રાજકોટ: એકમાત્ર એવું મંદિર જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે તેવા શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં ફરી એકવાર રાષ્ટ્રીય એકતાના દર્શન થયા. ૫મી એપ્રિલે રાત્રે ૯ કલાકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન મુજબ દીપ પ્રજ્વલિત કરીને કોરોના વાઇરસની લડાઈમાં દેશ એક જૂટ છે તેવો સંદેશો શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડે પણ આપ્યો હતો. રાત્રે ૯ કલાકે મંદિર પરિસરમાં દીપ પ્રજ્વલિત કરીને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ પણ રાષ્ટ્રની સાથે ઊભું છે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.

સમગ્ર દેશ કોરોના વાઇરસ સામે લડી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૫ એપ્રિલને રવિવારના રોજ રાત્રે ૯ કલાકે નવ મિનિટ સુધી ઘરની તમામ લાઈટો બંધ કરીને ઘરની અગાસી, બારી કે ફળિયામાં રહીને દિવો, મિણબત્તી, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને કોરોના વાઇરસ સામેની લડતમાં દેશ એક છે તે પ્રદર્શિત કરવા માટે આહ્વાન કર્યું હતું. જેને પગલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ખોડલધામ મંદિર પરિસરમાં દીપ પ્રગટાવીને સંદેશો આપ્યો હતો કે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પણ આ લડાઈમાં દેશની સાથે છે.

દેશ પર આવી પડેલી કોરોના વાઇરસ રૂપી મહામારીમાં દેશભરમાં લોકડાઉન છે. આવા કપરા સમયમાં અનેક લોકોને ભોજનની પણ મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજ્યભરમાં સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જિલ્લા અને તાલુકા સહિતની ખોડલધામની સમિતિઓ દ્વારા જરૂરિયાત મંદ લોકો સુધી ભોજન અને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ રીતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ મુશ્કેલીના સમયમાં નાત-જાતના ભેદભાવ વગર જન જન સુધી પહોંચીને સેવાની મહેક પ્રસરાવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here