- નવી સિવિલ, સ્મીમેર, મસ્કતીના તબીબ, મેડિકલ ઓફિસર સંક્રમિત
- શહેરની સાથે જિલ્લામાં પણ કેસમાં વધારો નોંધાયો છે, આંક 2486
સુરત. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 12,819 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 565 થઈ ગયો છે. ગત રોજ શહેરમાંથી 183 અને જિલ્લાના 76 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8641 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
ટેક્સટાઈલ માર્કેટના કાપડના વેપારી અને કાપડ દલાલ સંક્રમિત
વરાછા વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા વેપારી પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે લિંબાયત વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઈલ માર્કેટમાં દલાલી કરતા કાપડ દલાલ પણ સંક્રમિત થયા છે.
કોરોનાની સારવાર સાથે સંકળાયેલા સંક્રમિત
સિવિલ કેમ્પસમાં રહેતા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ બે તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ તેમજ વરાછા વિસ્તરમાં જ રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ સંક્રમિત થયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા અને મસ્કતી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ તેમજ સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર પણ સંક્રમિત થયા છે.આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલની બે નર્સ અને ઓલપાડ હેલ્થ સેન્ટરના ફાર્મસીસ્ટ અને માંગરોળ આરોગ્ય કેન્દ્રના કર્મચારી પણ કોરોના સંક્રમિત થયા છે.