સચિવાલયને કોરોના સંક્રમણથી બચાવવા હવે મંત્રીઓ નાગરિકોની વર્ચ્યુઅલ ફરિયાદો-રજૂઆત સાંભળશે

0
289

સામાન્ય નાગરિકો માટે તો પ્રવેશબંધી છે, હવે કાર્યકરો અને મુલાકાતીઓને પણ ગાંધીનગર સુધી ના આવવા સૂચના

ગાંધીનગર. સચિવાલય અને મંત્રીઓની ઓફિસ ધરાવતા સ્વર્ણિમ સંકુલને કોરોનાના સંક્રમણથી બચાવવા અરજદારો માટેની પાસ વ્યવસ્થા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જ્યારે મંત્રીઓએ મતવિસ્તાર અને વિભાગોની ફરિયાદો સાંભળવા વર્ચ્યુઅલ વ્યવસ્થા કરી છે. જેના દ્વારા અંગત મુલાકાતીઓ કે કાર્યકરોને પણ ગાંધીનગર સુધી આવવું ના પડે.

મુલાકાતીઓને સચિવાલય આવતા રોકવા ઓનલાઈન નિરાકરણ લાવવાનો નિર્ણય
કોરોનાના સંક્રમણ વચ્ચે સચિવાલયમાં બેસતા મંત્રીઓ સમક્ષ આવતી ફરિયાદને લઈ કામકાજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંત્રીઓ મુલાકાતીઓને મુલાકાત આપવાને બદલે વર્ચ્યુઅલ ફરિયાદનો નિકાલ લાવશે. જો કે, અરજદારો માટે હજુ સુધી સચિવાલયના દરવાજે પાસ માટેની બારી ખોલવામાં આવી નથી. છતાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ મુલાકાતીઓના વધતા ધસારાને રોકવા અને કોરોનાના સંક્રમણથી બચવા ફરિયાદોનું ઓનલાઈન નિરાકરણ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણથી બચવા મંત્રીઓ કાર્યકરો-આગેવાનોને સમજાવે છે
આ સંજોગોમાં મંત્રીઓ જ પોતાના વિસ્તારના કાર્યકરો અને આગેવાનોને સમજાવી રહ્યા છે કે, સચિવાલયમાં ન આવવું જોઈએ. તેમજ અસકારણસર ગાંધીનગર સુધી ન આવે તો કોરોના સંક્રમણ બચી શકાશે. જરૂર લાગ્યે ત્યારે વીડિયો કોલિંગ મારફતે સમસ્યા રજૂ કરી શકશે. સમસ્યા સંદર્ભ અધિકારીઓને જાણ કરીને ઉકેલ લાવશે. હાલમાં કેટલાક મંત્રીઓ તેમના વિસ્તારના લોકો અને કાર્યકરોની મુલાકાત ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ મારફતે કરી રહ્યા છે અને આ સ્ટાઈલથી અધિકારીઓ સાથે કામકાજ કરી રહ્યા છે.