રાખડીઓનું હોલસેલ માર્કેટ 75 ટકા જ્યારે રિટેલ માર્કેટ 50થી 60 ટકા તૂટ્યું

0
309

લૉકડાઉનને લીધે રાખડીઓમાં નવી વેરાઈટી નથી, ખરીદી પણ ઓછી છે : વેપારીઓ

અમદાવાદ. ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. અમદાવાદના હોલસેલ માર્કેટમાં રાખડીઓનું વેચાણ 70થી 75 ટકા ઘટયંુ છે. જ્યારે રિટેલ માર્કેટ પણ રાખડીઓનું વેચાણ 50 થી 60 ટકા જેટલું ઓછું હોવાનું વેપારીઓનું કહેવું છે. વેપારીઓના કહેવા પ્રમાણે કોરોનાના કારણે લૉકડાઉન હોવાથી રાખડીઓ બહુ જ ઓછી બની છે. જ્યારે કોરોનાના ડરના કારણે રાખડીઓ ખરીદવા માટે જોઈએ તેવા ગ્રાહકો પણ આવતા નથી. વેપારીઓ તો રાખડીઓથી દુકાનો ભરીને જ બેઠા છે. પરંતુ લોકો ડરના માર્યા રાખડી ખરીદવાનું ટાળી રહ્યા છે. જો કે એક છત નીચે રહેતા ભાઈ – બહેન સિવાય ઘણા બધા ભાઈ – બહેનો મોબાઈલ કે લેપટોપથી વર્ચ્યુઅલ કે ડીજિટલ રક્ષાબંધનની ઉજવણી કરવાના હોવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

કેટલાક વેપારીએ ગયા વર્ષની રાખડીઓ વેચવા મૂકી
વેપારીઓના જણાવ્યા પ્રમાણે રાખડીનું હોલસેલ માર્કેટ ચાલુ વર્ષે 70 થી 75 ટકા તૂટી ગયું છે. જેની સીધી જ અસર રિટેલ વેપારીઓ ઉપર પણ પડી છે. નવી રાખડીઓ બહુ જ ઓછી બની હોવાથી મોટા ભાગના રિટેલના વેપારીઓએ ગયા વર્ષની રાખડીઓ વેચવા માટે ડિસ્પલેમાં મુકી છે.

હોલસેલનું 100 કરોડનું માર્કેટ લગભગ તૂટી ગયું
સારંગપુર સ્થિત ગણેશ રાખડીના મનીષ પટેલે કહ્યું કે, કાલુપુર ટંકશાળ-સારંગપુર 40 વેપારીઓ રાખડીઓનો હોલસેલમાં ધંધો કરે છે.આ તમામ વેપારીઓ દર વર્ષે 100 કરોડની રાખડી બનાવીને વેચે છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે 100 કરોડનું માર્કેટ 20 થી 25 ટકા તૂટી ગયું છે. જેથી ચાલુ વર્ષે ધંધામાં માંડ 20થી 25 કરોડનો ધંધો થવાનો અંદાજ છે.

સરકારે વેપારીઓના ધંધાની ચેઈન તોડી નાખી
શાહ એન્ડ સન્સ ટંકશાળના પ્રિયાંક શાહે જણાવ્યું કે, અમે કાલુપુર ટંકશાળમાં 18 વર્ષથી હોલસેલમાં રાખડીનો ધંધો કરીએ છીએ. ધંધામાં તેજી-મંદી તો આવ્યા કરે. પરંતુ સરકારે બીજું અને ત્રીજું લૉકડાઉન આપ્યું તેનાથી વેપારીઓની કમર તૂટી ગઇ છે. લૉકડાઉનથી ધંધા-રોજગાર સંપૂર્ણ ઠપ થઇ ગયા હતા. જેની અસર રક્ષાબંધનના તહેવાર ઉપર જોવા મળી રહી છે.

આ વર્ષે તો મૂડી પણ નીકળી નથી
સન સેટ એમ્પોરિયમના માલિક રમેશ પટેલે કહ્યું કે, ગુરુકુળ રોડ ઉપર આવેલા સન સેટ એમ્પોરિયના માલિકીનું કહેવું છે કે, અમે 35 વર્ષથી રાખડીનું રિટેલ વેચાણ કરીએ છીએ. દર વર્ષ કરતા ચાલુ વર્ષે ધંધો 60થી 65 ટકા જેટલો ઓછો છે. રક્ષાબંધનના એક અઠવાડિયા પહેલા અમારી મૂડી પાછી આવી જાય છે અને છેલ્લા અઠવાડિયામાં સારો એવો નફો થાય છે. પરંતુ ચાલુ વર્ષે તો મૂડી પણ નીકળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here