કોરોનાનું સંક્રમણ વધવાની દહેશતથી અમદાવાદ શહેરની બોર્ડરો પર ચેકિંગ, 1 હજારની તપાસ, 150 પોઝિટિવ મળતાં પાછા મોકલાયા

0
359
 • વડોદરા એક્સપ્રેસ હાઈવે, ઝુંડાલ, સનાથલ, બાકરોલ, અસલાલી અને ગીતા મંદિર એસટી સ્ટેન્ડે ટીમો ગોઠવાઈ
 • હવે એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટના મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કરવા વિચારણા
 • મ્યુનિ. સ્કૂલના 1500 શિક્ષકોની તપાસ, ઘરે ઘરે સરવે કરવા જનારા 19ને ચેપ
 • શહેરમાં સતત બીજા દિવસે 150થી ઓછાં કેસ, વધુ 4 દર્દીનાં કોરોનાથી મોત

અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે મંગળવારે 150થી ઓછા એટલે કે 147 કેસ નોંધાયા હતા. જ્યારે 4 દર્દીના મૃત્યુ થયા હતા. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે હવે મ્યુનિ.એ શહેરમાં પ્રવેશની દરેક બોર્ડરે સઘન તપાસ હાથ ધરી છે. છેલ્લા એક સપ્તાહમાં વડોદરા એક્સપ્રેસ હાઈવે, ઝુંડાલ ચોકડી, સનાથલ ચોકડી, નાના ચિલોડા, બાકરોલ, અસલાલી તેમજ ગીતા મંદિર અને નરોડા એસટી સ્ટેન્ડે આવતા અંદાજે 1 હજારથી વધુ મુસાફરોની તપાસ કરાઈ હતી. જેમાંથી 150 લોકો પોઝિટિવ આવતાં મોટાભાગનાને પાછા મોકલાયા હતા. જ્યારે ડ્રાઈવર પોઝિટિવ મળે તો સિવિલમાં મોકલાયા હતા. બીજી તરફ મ્યુનિ. સ્કૂલ બોર્ડના 1500 શિક્ષિકોના ટેસ્ટ કરાયા હતા જેમાં ઘરે ઘરે સરવે કરવા જનારા 19 શિક્ષકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હવે એરપોર્ટ પર આવતી ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ ફ્લાઈટના મુસાફરોનું પણ ફરીથી સ્ક્રીનિંગ શરૂ કરવા વિચારણા હાથ ધરાઈ છે.

ગ્રામ્ય કોર્ટમાં બેને ચેપ, લોકો કામ વિના ન આવે
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં 2 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી એક સપ્તાહ સુધી વકીલો અને પક્ષકારો કામ વગર ના આવે તેવો આદેશ પ્રિન્સિપાલ જજે કર્યો છે. ગ્રામ્ય જિલ્લા કોર્ટ બાર એસોસિયેશનના ઉપપ્રમુખ રાજેશ પારેખે જણાવ્યું હતું કે, કામ વગર વકીલોએ અને પક્ષકારો કોર્ટમાં ના આવે. હાઈકોર્ટે સોમવારે 4 ઓગસ્ટ કોવિડની ગાઈડ લાઈનના પાલનની શરત સાથે કોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે.

શહેરમાં નવા 16 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર

 • ચૈતન્ય પાર્ટ-2, ઇસનપુર
 • અવસર ફ્લેટ, ઇસનપુર
 • લક્ષ્મીનારાયણ વિભાગ-2, ખોખરા
 • શિવાની એપાર્ટમેન્ટ, મણિનગર
 • પટેલ વાસ, નારોલ ગામ
 • આનંદજી કલ્યાણજી, બહેરામપુરા
 • વિષ્ણુ કોલોની, વિરાટનગર
 • મીરાપાર્ક, વિરાટનગર
 • રાધે કૃષ્ણ સોસા., વિરાટનગર
 • ઇશ્વર અમી કૃપા સોસા., વેજલપુર
 • મંગલ જીવન સોસા., વેજલપુર
 • તીર્થનગર વિ-2, થલતેજ
 • અક્ષર પ્રથમ, ચાંદલોડિયા
 • પોપ્યુલર પેરેડાઇઝ, ગોતા
 • જયશ્રી ચામુંડાપાર્ક-1, સાબરમતી
 • ભીલવાસની ગલી, સાબરમતી