દરિયામાંથી આવેલા ‘તાઉ-તે’એ સુરેન્દ્રનગરના રણ વિસ્તારને પણ ના છોડ્યો, મીઠાના પાટામાં પાણી ફરી વળતા અગરિયાઓ થયા પાયમાલ

0
168

દરિયામાંથી આવેલા ‘તાઉ-તે’એ સુરેન્દ્રનગરના રણ વિસ્તારને પણ ના છોડ્યો, મીઠાના પાટામાં પાણી ફરી વળતા અગરિયાઓ થયા પાયમાલ

  • મીઠું પકવતા અગરિયાઓના મોઢે આવેલો કોળિયો ‘તાઉ-તે’ના કારણે છિનવાયો
  • અગરિયાઓની સોલાર પેનલને ભારે નુકસાન

અરબી સમુદ્રમાંથી આવેલા ‘તાઉ-તે’ વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાના શહેરોમાં તો તારાજી સર્જી છે. પણ તેની અસરથી સુરેન્દ્રનગર જિલ્લાનો રણ વિસ્તાર પણ બાકાત નથી રહ્યો. ‘તાઉ-તે’ના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અગરિયાઓએ પકવેલા મીઠાને ભારે નુકસાન થયું છે. રણમાં કાળી મજૂરી કરી પકવેલા મીઠાને નુકસાન થતા અગરિયાઓએ રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.

દેશના 70 ટકા મીઠાનું ઉત્પાદન એકલા ગુજરાતમાં
દેશના કુલ મીઠા ઉત્પાદનનું 70 % મીઠું તો એકમાત્ર ગુજરાતમાં પાકે છે. જેમાંનું 35% મીઠું તો સુરેન્દ્રનગર જીલ્લાને અડીને આવેલા કચ્છનાના નાના રણમાં પાકે છે. ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ મેટ્રિક ટન મીઠું તો રણમાંથી ખેંચીને ખારાઘોડા ગંજે આવી પણ ગયું છે. જ્યારે હજી પણ રણમાં અંદાજે 3 થી 3.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં છે. એવામાં ‘તાઉતે’ વાવાઝોડાના પગલે ઝીંઝુવાડા રણમાં, ધ્રાંગધ્રાના કૂડા રણમાં અને ખારાઘોડા રણમાં મુશળધાર વરસાદ ખાબકતા રણમાં જવાનો રસ્તો ઠપ્પ બન્યો છે.

દિવ્યભાસ્કરની ટીમેં ચિક્કાર પાણીમાં ટ્રેક્ટરમાં બેસીને રણમાં મીઠું પકવતા છેવાડાના માનવી એવા અગરિયાઓને થયેલી નુકશાનીનો તાગ મેળવ્યો હતો. જેમાં ઝીંઝુવાડા રણમાં 100થી વધુ મીઠાના પાટામાં વરસાદી પાણી ફરતા અગરિયા પરિવારોની રાત-દિવસની અથાગ મહેનત પર પાણી ફરી વળ્યું હતુ જેમાં અગરિયાઓને લાખો રૂ.નું નુકસાન આવતા મીઠું પકવતા અગરિયાઓ પાયમાલ બન્યાં હતા.

દેશના કુલ ઉત્પાદનનું 70થી 75% મીઠું ગુજરાતમાં ઉત્પન્ન થાય છે. જેમાંનુ 35 % મીઠું સુરેન્દ્રનગર જીલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ સહિત ધ્રાંગધ્રાના કૂડા રણમાં પાકે છે. અને અંદાજે 5000 અગરિયા પરિવારો મીઠું પકવવાના ઉત્પાદન સાથે સંકળાયેલા છે.

આ અગરિયાઓ પોતાના નાના-નાના ભુલકાઓ સહિતના પરિવારજનો સાથે દર વર્ષે ઓકટોબર માસમાં રણમાં વર્ષના આઠ મહિના કંતાનનું ઝુંપડુ બાંધી ધોમધખતા આકરા તાપમાં અને ગાત્રો થીજાવતી ઠંડીમાં રાત-દિવસ “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરૂ કામ કરે છે. અગરિયાઓ દ્વારા વેરાન રણમાં પકવવામાં આવેલું મીઠું તૈયાર થયા બાદ 1 એપ્રિલથી 10 જૂન સુધી મીઠાના વેપારીઓ દ્વારા જેસીબી અને ડમ્પર સહિતના સાધનો વડે રણમાંથી મીઠું ખેંચી ખારાઘોડા કે ઝીંઝુવાડા લાવી મીઠાના લાઇનબંધ ગંજા બનાવવામાં આવે છે. પછી વેપારીઓ દ્વારા આખુ વર્ષ મીઠું દેશના ખુણેખુણાના રાજ્યોમાં રેલ્વે દ્વારા કે ટ્રકો દ્વારા મીઠાની નિકાસ કરવામાં આવે છે.

દેશના લોકોના ભોજનને મીઠા દ્વારા સ્વાદિષ્ટ બનાવતા અગરિયાઓના જીવનમાં હવે ખારાશ આવી ગઇ છે. ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં આ વર્ષે અંદાજે વિક્રમ જનક 14 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થયું છે. જેમાંથી અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ મેટ્રિક ટન મીઠું તો ખારાઘોડા અને ઝીંઝુવાડામાં ગંજે આવી પણ ચુક્યું છે. એવામાં બે દિ’અગાઉ ગુજરાત પર ત્રાટકેલા ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે સૌ પ્રથમ સરકારી તંત્ર દ્વારા રણમાં મીઠું પકવતા તમામ અગરિયા પરિવારોને રણમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા.

પરંતુ “તાઉ-તે” વાવાઝોડાના પગલે રણમાં બે દિવસથી ખાબકેલા વરસાદના પગલે મીઠું પકવતા અગરિયાઓના પાટામાં વરસાદી પાણી ફરી વળતા અગરિયાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. વેરાન રણ ભારે વરસાદના કારણે મીની સમુદ્રમાં ફેરવાઇ જતાં રણમાં આવવા-જવાનો રસ્તો ઠપ્પ થઇ જવા પામ્યો હતો. દિવ્યભાસ્કરની ટીમેં છેવાડાના માનવીને થયેલી નુકશાનીનો ચિતાર મેળવવા ચિક્કાર પાણીમાં ટ્રેક્ટરમાં બેસીને રણની મુલાકાત લીધી હતી.

કૂડા અને ઝીંઝુવાડામાં અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન
જેમાં ધ્રાંગધ્રાના કૂડા રણમાં અગરિયાઓના પાટામાં અને રણમાં ભારે વરસાદથી અગરિયાઓને લાખો રૂ.નું નુકસાન પહોંચ્યું હતુ. ધ્રાંગધ્રાના કૂડા રણમાં મીઠું પકવતા ચકુજી ઠાકોર જણાવે છે કે, સરકાર આવી ​​​​​​​કોઇ કુદરતી આફત આવે ત્યારે ખેડૂતોને ખેતીને થયેલી નુકશાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે છે. પણ છેવાડાના માનવીને આવી કુદરતી આફતો સામે પડકાર ઝીલવા છતાં આજ દિન સુધી રાતી પાઇ પણ વળતર રૂપે ચુકવવામાં આવી નથી. સરકાર દ્વારા છેવાડાના માનવી ગણાતા એવા અગરિયા સમુદાય માટે હમેંશા ઓરમાયું વર્તન જ કરવામાં આવે છે. બાદમાં ઝીંઝુવાડા રણની મુલાકાત લેતા અંદાજે 100થી વધુ મીઠાના પાટામાં વરસાદી પાણી ફરી વળતા અગરિયાઓની સાથે વેપારીઓને પણ લાખો રૂ.ની નુકસાનીનો ફટકો પહોંચ્યોં હતો. રણમાં મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલો ફંગોળાઇને ખેદાન-મેદાન થતા અગરિયાઓને મોટી નુકસાની પહોંચી હતી.

આ અંગે ઝીંઝુવાડાના ભરતસિંહ ગંભીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ વર્ષે મીઠું ખેંચવાની સીઝન મોડી શરૂ થતાં હજી ઝીંઝુવાડા રણમાં 150થી વધુ મીઠાના પાટા ખેંચાયા વગરના પડ્યાં છે. એવામાં ઝીંઝુવાડા રણમાં ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે ખાબકેલા ભારે વરસાદના કારણે ઝીંઝુવાડા રણ તો મીની સમુદ્રમાં ફેરવાઇ ગયું હતુ. અને રણમાં મીઠાના પાટામાં વ્યાપક નુકશાન આવતા કોરોનાની કહેર વચ્ચે માંડ બેઠા થયેલા મીઠા ઉદ્યોગની કમર તૂટી જતાં મરણતોલ ફટકો પહોંચ્યોં છે.

જ્યારે અગરિયા સમુદાય માટે કામ કરતા મીઠાઘોડા ગામના ગુજરાત યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસક ડો.રંજન ગોહિલ જણાવે છે કે, રણમાં મીઠું પકવતા અગરિયાઓ મીઠું પકવવાની સીઝન દરમિયાન કમોસમી વરસાદ કે આંધી-વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે સરકાર વિમાની કોઇ યોજના લાવે તો અગરિયો એનું પ્રિમીયમ ભરવા પણ તૈયાર છે. પણ છેવાડાના માનવી ગણાતા એવા અગરિયાઓનું સાંભળનાર કોઇ નથી અને આંદોલન કરવાનો એમની પાસે સમય નથી. ગાંધીએ ચપટી મીઠું મુઠ્ઠીમાં ઉપાડી બ્રિટિશ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યાં હતા. આજે એ જ મીઠું મુઠ્ઠીમાં ઉપાડનારા ગાંધીની શોધમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here