‘સ્પ્લિટ્સવિલા’ ફૅમ આરાધનાની ધમાકેદાર એન્ટ્રી, દિલીપ જોષી સાથે કામ કરવાના અનુભવ પર કહી આ વાત

0
413
  • આરાધના શર્માનો સ્ટાઈલિસ્ટ અંદાજ ચાહકોને ઘણો જ પસંદ છે
  • આરાધનાએ સૌ પહેલાં 11 વર્ષની ઉંમરમાં ટીવી રિયાલિટી શોમાં કામ કર્યું હતું
  • MTV ‘સ્પ્લિટ્સવિલા 12’ ફૅમ આરાધના શર્મા હાલમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડિટેક્ટિવના રોલમાં જોવા મળે છે. આ શોમાં તે ગુંડાઓની એક ગેંગ માટે ડિટેક્ટિવ તરીકે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સિરિયલના ટ્રેક પ્રમાણે, કોરોનાના દવાઓના કાળા બજાર પર ફોકસ કરવામાં આવ્યું છે. પોપટલાલ દવાઓના કાળાબજારનો ખાત્મો બોલાવવા માટે મિશન પર નીકળે છે. અહીંયા તે એક રિસોર્ટમાં રોકાય છે. રિસોર્ટમાં હોટલ મેનેજર દિપ્તીના રોલમાં આરાધના શર્મા છે. જોકે, ખરી રીતે તે ગુંડાઓ માટે કામ કરતી હોય છે. ‘તારક મહેતા..’માં બબીતા એટલે કે મુનમુન દત્તાનો સ્ટાઈલિસ્ટ અવતાર જોવા મળે છે. હાલના ટ્રેક પ્રમાણે, શોમાં બબીતા જોવા મળશે નહીં, તેની ગેરહાજરીમાં આરાધનાનો સ્ટાઈલિસ્ટ અંદાજ જોવા મળશે.

હાલમાં જ શોના અનુભવ અંગે વાત કરી હતી
આરાધના શર્માએ હાલમાં જ આ શોમાં કામ કરવાના અનુભવ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘તારક મહેતા..’માં કામ કરવું મારા માટે ફેન મોમેન્ટ જેવું છે. હું લાંબા સમયથી આ શો જોઉં છું. હવે આ શોનો ભાગ બનવું, મારા માટે નસીબની વાત છે. મને આ શોમાં કામ કરવાની ઘણી જ મજા આવી હતી.’

વધુમાં આરાધનાએ કહ્યું હતું, ‘શોમાં પરિવાર જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. અમિત સર (ચંપક ચાચા), તન્મય સર (બાઘા), શ્યામ સર (પોપટલાલ), નિર્મલ સર (ડૉ. હાથી) દરેક લોકો ઘણાં જ ડાઉન ટુ અર્થ છે અને મદદ કરે છે. અહીંયા કામ અંગે હું ઘણું જ શીખી છું.

સમય અટકી ગયો હોય એમ લાગ્યું
દિલીપ જોષી એટલે કે જેઠાલાલ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો, તે અંગે એક્ટ્રેસે કહ્યું હતું, ‘હું દિલીપ જોષીને મળી તે એક ફેન મોમેન્ટ હતી. તે મારી સામે ઊભા હતા અને મને લાગ્યું કે સમય અટકી ગયો છે. મારા માટે તો આ સપનું સાચું પડવા જેવું છે.’

11 વર્ષની ઉંમરે પહેલી વાર ટીવી પર આવી હતી
આરાધનાનો જન્મ રાંચી, ઝારખંડમાં થયો છે. તે પુનામાં મોટી થઈ છે. આરાધના નાનપણથી ટીવી સાથે જોડાયેલી છે. તેણે માત્ર 11 વર્ષની ઉંમરમાં કિડ્સ શો ‘બૂગી વૂગી’માં ભાગ લીધો હતો. કોલેજ બાદ તે એક્ટિંગ ફિલ્ડમાં આગળ જવા માગતી હતી અને તેથી જ તે મુંબઈ આવી હતી અને કામની શોધમાં હતી. તેણે પૂનાની સિમ્બાયસિસ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટની ડિગ્રી લીધી છે. તેણે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ 6’માં ભાગ લીધો હતો. આ શોમાં તે સિઝનના ટોપ 36 ડાન્સર્સમાં સામેલ થઈ હતી.

મોડલ પણ રહી ચૂકી છે
આરાધના MTVના લોકપ્રિય ડેટિંગ રિયાલિટી શો ‘સ્પ્લિટ્સ વિલા’ની સિઝન 12માં જોવા મળી હતી. આ શોમાં આરાધાનનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો. આ ઉપરાંત આરાધનાએ શોર્ટ ફિલ્મ તથા એડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેણે ફેશન ડિઝાઈનર નીતા લુલાના શોમાં મોડલિંગ કર્યું હતું. 2018માં તે FBB ફેમિના કેમ્પસ પ્રિન્સેસ ફાઈનલિસ્ટ પણ હતી.

કરિયરની શરૂઆતના દિવસોમાં લોકોએ કહ્યું હતું, તારો ચહેરો હીરોઈન જેવો નથી
આરાધનાએ પોતાની કરિયરના શરૂઆતા સંઘર્ષને યાદ કરીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેણે ત્રણ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. જોકે, તે એક્ટિંગ કરવા માગતી હતી. આથી જ તેણે કામ શોધવાની શરૂઆત કરી હતી. જોકે, તેને કામ મળતું નહોતું. લોકો તેના ચહેરા વિશે વાતો કરતા હતા. તેને એવું કહેવામાં આવતું કે તેનો ચહેરો એક્ટ્રેસ બનવાને લાયક નથી. આ બધી વાતો સાંભળ્યા બાદ તે ભાંગી પડી હતી. જોકે, આ સમયે તેને તેની માતા તથા બહેને પ્રોત્સાહન આપ્યું હતું. તેને ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન ‘અલાદ્દીન’ની સિરિયલ મળી હતી. આ ઉપરાંત એક વેબ સિરીઝ પણ તેણે કામ કર્યું હતું. ટીવી સિરિયલ ‘હીરો ધ ગાયબ મોડ ઓન’માં આરાધનાએ લીડ રોલ પ્લે કર્યો હતો અને તે પત્રકાર બની હતી.

સિદ્ધાર્થ નિગમ સાથે કામ કરતી વખતે નર્વસ હતી
આ પહેલાં આરાધના ટીવી સિરિયલ ‘અલાદ્દીન’મા જોવા મળી હતી. સિરિયલમાં તેણે પ્રિન્સેસ તમન્નાનો નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. આરાધનાએ તે સમયે કહ્યું હતું, ‘સ્ક્રીન પર હું એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળે છે. જોકે, ખરી રીતે હું સેટ પર ઘણી જ નર્વસ હતી. જોકે, સિરિયલની ક્રૂએ મને ઘણી જ મદદ કરી હતી. ડેડલાઈન હોવા છતાંય નર્વસ હોવાને કારણે હું રીટેક પર રીટેક આપતી હતી. જોકે, ડિરેક્ટરથી લઈ કોઈ મારા પર ગુસ્સે થયું નહોતું. સિદ્ધાર્થ નિગમ (અલાદ્દીન) સાથે જ્યારે સીન કરવાનો આવ્યો ત્યારે હું ધ્રુજી ગઈ હતી. તે મારા કરતાં નાનો છે, પરંતુ આ ફીલ્ડમાં તે મારા કરતાં સીનિયર છે અને બ્રિલિયન્ટ પર્ફોર્મર છે.’

એક પણ દિવસ વર્કઆઉટ કરવાનું ચૂકતી નથી
આરાધનાને વર્કઆઉટ કર્યા વગર ચેન પડતું નથી. એક ઈન્ટરવ્યૂમાં આરાધનાએ કહ્યું હતું કે તેના માટે ફિઝિકલ તથા મેન્ટલ ફિટનેસ બંને બરોબરની મહત્ત્વની છે. તે એક પણ દિવસ વર્કઆઉટ કર્યા વગર રહી શકતી નથી. શૂટિંગમાં બિઝી હોય તો તે 30 મિનિટ ઘરમાં પણ વર્કઆઉટ કરે છે. આરાધના સ્ટ્રિક્ટ ડાયટમાં માને છે. જોકે, ચીટ ડેમાં પાણીપુરી, મોમોઝ તથા વેફલ ખાવાનું પસંદ કરે છે.

ઇન્ડસ્ટ્રીમાં ફેવરેટિઝમ છે
આરાધનાએ એ વાત સ્વીકારી છે કે ઇન્ડસ્ટ્રીમાં ફેવરેટિઝમ છે. તેના મતે અહીંયા નવા લોકોને તક જ આપવામાં આવતી નથી. તે આજે જે જગ્યાએ છે, તેનાથી તે ખુશ છે. તે ક્યારેય સ્ટારકિડ્સ તથા તેવી બાબતોને સપોર્ટ કરતી નથી.