- વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી
- ઉના પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી
સૌરાષ્ટ્રમાં લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા છે. ખેડૂતો પણ ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ઉના, રાજુલા અને જાફરાબાદમાં આજે બુધવારે બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. કાળા ડિબાગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી બની ગયા છે. તેમજ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ભાવનગરમાં ગાજવીજ અને પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. શહેરના આંબાવાડી, રૂપાણી, ડોન, ડાયમંડ ચોક, કાળીયાબીડ, વડલા, ગંગાજળીયા તળાવ, આંબાચોક, મેઈન બજાર સહિત ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વધતા ઓછા અંશે વરસાદ વરસ્યો હતો.
દરિયાઈકાંઠે વરસાદી માહોલ જામ્યો
રાજુલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. જાફરાબાદના સોખડા, સાકરીયા, ઘેસપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરિયાઈકાંઠે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ફરી શરૂ થતા ખેડૂતોમાં પણ સારા વરસાદની આશા બંધાય છે. ઉના પંથકમાં પણ આજે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઉનાના સામતેર, ઉમેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.