જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર દ્વારા તા.૨૦.૦૫.૨૦૨૧ના રોજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો સાથે “વિશ્વ મધમાખી દિવસ” ની ઉજવણી ઓનલાઈન ગુગલ મીટના માધ્યમથી કરવામાં આવેલ હતી. આ ઉજવણી માટે આ કેન્દ્રના હોમ સાયન્ટીસ્ટ એ.કે.બારૈયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ અને કાલાવડ તાલુકાના પ્રોગ્રેસીવ અને એન્ટરપ્રીન્યર ખેડૂત એવા દર્શનભાઈ “મધુધારા” નામે મધ માખીઓનું પાલન કરે છે તેમને પોતાનું વક્તવ્ય આપીને મધમાખીઓનો પ્રેક્ટીકલ ઉછેર, તેમનું માઈગ્રેશન, તેમના ભય સ્થાનો, તેમની ઉત્પાદકતા, લેવાની કાળજી વગેરે ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવેલ હતી. તેમને મધમાખી ઉછેર માટે ખરેડી (કાલાવડ)થી કાશ્મીર સુધીની યાત્રા વિષે પણ ખેડૂતોને સમજ આપીને મધમાખી ઉછેરમાં સફળ કઈ રીતે થવાય તેની જાણકારી આપેલ હતી.

ત્યાર બાદ કે.વી.કે.ના વડા ડો. કે.પી.બારૈયાએ ખેડૂતોને મધમાખી વિષે તેમની પ્રજાતિ, તેમના સ્વરૂપ તેમાં આવતા રોગ અને જીવતો અને નુકશાન કરતા પરિબળો પર જીણવટભરી માહિતી ઓડિયો વિઝ્યુલ દ્વારા આપીને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતું. પરાગનયનમાં મધ માખીનો ફાળો તથા કોરોનાના કપરા સમય માટે મધની માનવ શરીરમાં આયુર્વેદિક ઔષધી તથા ઈમ્યુંનીટી/રોગ પ્રતિકારક શક્તિ વધારવા કઈ રીતે ઉપયોગી થઈ શકે તેમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી. આમ, સમગ્ર કાર્યક્રમમાં ખેડૂતોએ પ્રશ્નોતરી કરીને એક નવા સોપાન સર કરવા માટેની તૈયારી કરીને મધમાખી ખેતી માટે કઈ રીતે ઉપયોગી છે, તે માટે ૩૪ જેટલા ઉત્કૃષ્ટ ખેડૂતોએ ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતો.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર