
શહેરની વસ્તી સામે પોઝિટિવ દર્દીઓની ટકાવારી સામાન્ય કરતા પણ નીચે કહી શકાય
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા એક મહિનાથી કોરોના પોઝિટિવનો આંક વધી રહ્યો છે. જિલ્લામાં કુલ 1275 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 830 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 25 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. હાલમાં 413 દર્દીઓ સારવાર હેઠળ છે. ભાવનગર શહેરમાં સાડા 6 લાખની વસ્તી સામે 809 કેસ પોઝિટિવ, જ્યારે ગ્રામ્ય વિસ્તોરની 18.5 લાખની વસ્તી સામે 466 કેસ પોઝિટિવ નોંધાયા છે. આમ શહેરની વસ્તી સામે પોઝિટિવ દર્દીઓની ટકાવારી સામાન્ય કરતા પણ નીચે છે તેવુ કહી શકાય. બીજી તરફ કોરોનાથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાં પ્લાઝમા ડોનેટ પ્રત્યે નીરસતા જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં માત્ર 5 દર્દીએ જ પ્લાઝમા ડોનેટ કર્યુ છે.
પોઝિટિવ દર્દી સામે ડિસ્ચાર્જનો આંક પણ વધુ
ભાવનગર શહેરની અંદાજે સાડા છ લાખની વસ્તી સામે 26 માર્ચથી 28 જુલાઈ સુધીમાં કુલ 809 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની ટકાવારી જોવા જઇએ તો 00.001244 થવા જાય છે. જે ખૂબ જ મામુલી કહેવાય અને તેમાં પણ અન્ય શહેરોમાંથી કોરોના સંક્રમણ સાથે આવ્યા હોય તેવા કેસોના આંકડોઓ બાદ કરવામાં આવે તો માત્ર કોરોનાનો વધુ પડતો ભય લાગી રહ્યો છે. જિલ્લામાં કુલ 1275 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદાજે 18.5 લાખની વસ્તી સામે કુલ 466 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 273 દર્દીઓને ડિસ્ચાર્જ, 7નાં મોત અને 179 દર્દીઓ સારવાર હેઠળ છે. જૂલાઈ મહિનામાં છેલ્લા 28 દિવસમાં જેમ પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે ડિસ્ચાર્જનો આંકડો પણ વધુ છે
દર્દીઓમાં પ્લાઝમા ડોનેટ પ્રત્યે જાગૃતિનો અભાવ
માસ્ક ન પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન કરવાથી કોરોના દર્દી બનવા તરફ આગળ વધી રહ્યાં છે. જેટલી જવાબદારી તંત્રની છે તેટલી જ જવાબદારી લોકોની પણ છે. કોરોનાથી સાજા થયેલા લોકોમાં પ્લાઝમાં ડોનેશન પ્રત્યેની નિરસતા જોવા મળી રહી છે. શહેરમાંથી 557 દર્દીઓ રોગમુક્ત થયા છે અને ડિસ્ચાર્જ આપવામાં આવેલ લોકોમાં પ્લાઝમાં ડોનેશન પ્રત્યે નીરસતા જોવા મળી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 5 લોકોએ જ પ્લાઝમા ડોનેશન કરેલ છે. ડિસ્થાર્જ થયાના 3 મહિના સુધી પ્લાઝમાં ડોનેશન કરી શકાય અને બીજા દર્દીનો જીવ બચાવી શકાય છે. પરંતુ દર્દીઓમા પ્લાઝમા પ્રત્યે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. મોતના આંકડા જાહેર નહી કરવા પાછળ ભેદ છુપાયેલો હોવાની લોકચર્ચા જિલ્લામાં 413 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ઓક્સિજન પર 36 દર્દીઓ અને 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
અન્ય બીમારીથી મોતના આંકડાઓ જાહેર નહીં કરવા પાછળ કંઈક ભેદ છુપાયેલો છે
મનપાના કમિશનર ગાંધી દ્વારા જે માહિતી આપી છે તેમાં કુલ પોઝિટિવ કેસ 809 જેમાંથી 18ના મોત, 557 દર્દીઓને ડિસ્ચાર્જ અને 234 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી રોજબરોજ અન્ય બીમારીથી મોત થઈ રહ્યાં છે. પરંતું તંત્ર દ્વારા તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવતી નથી. કોરોના બિમારીથી મોત થાય છે તે જાહેર કરવામાં આવે છે પરંતું અન્ય બિમારીથી મોત થયાનો આંકડો કેમ જાહેર કરવામાં આવતો નથી તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. લોકો એવું પણ કહી રહ્યાં છે કે કોરોના કરતાં અન્ય બિમારીથી મોતનો આંકડો ખુબ મોટો હોય જે જાહેર કરવાથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી શકે તેમ હોય જેથી જાહેર કરવામાં આવતા નથી. તંત્ર દ્વારા નામ સરનામા, હિસ્ટ્રી અને અન્ય બિમારીથી થયેલ મોતના આંકડાઓ જાહેર નહીં કરવા પાછળ કંઈક તો ભેદ છુપાયેલો છે તે નક્કી છે.