વડોદરા મ્યુનિ. કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને શ્રદ્ધાળુઓ તળાવો-નદીઓમાં દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરશે, 5 હજારનો દંડ ભરવા તૈયાર

0
333
  • હિન્દુ સંગઠનો-સામાજિક કાર્યકરોએ કૃત્રિમ તળાવ તૈયાર કરવાની માંગ કરી, પરંતુ, તંત્રની જાહેરનામાનો કડક અમલ કરવાની અપીલ
  • નાગરવાડાના રહીશોએ મ્યુનિસિપલ કમિશનરના બંગલાની બહાર મૂર્તિઓ મુકી દેવાની ચીમકી ઉચ્ચારી છે

છેલ્લા 10 દિવસથી શ્રદ્ધાપૂર્વક ઉજવાઇ રહેલા દશામાં વ્રતનો આજે છેલ્લો દિવસ છે. જાગરણ સાથે દશામાંની સ્થાપના કરેલી પ્રતિમાઓનું તળાવો, નદીમાં વિસર્જન કરવાની પરંપરા છે, પરંતુ, હાલમાં કોરોનાની મહામારીના કારણે પાલિકા દ્વારા દશામાંની મૂર્તિઓનું તળાવો, નદીઓ અને નાળાઓમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. જોકે, શ્રદ્ધાળુઓ તંત્ર દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધના જાહેરનામાનો ભંગ કરીને રાત્રે મૂર્તિઓનું વિસર્જન તળાવો અને નદીમાં કરવાનો નિર્ણય કર્યો છે.

કૃત્રિમ તળાવ બનાવવા માટે વિવિધ સંગઠનોની માંગ છતાં તંત્રએ દાદ ન આપી
કોરોના વાઇરસની મહામારીના કારણે મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે દશામાંની મૂર્તિઓનું વિસર્જન તળાવો, નદીઓ અને નાળાઓમાં કરવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જે જાહેરનામાના વિરોધમાં હિન્દુ સંગઠનો, મ્યુનિસિપલ કાઉન્સિલર્સ અને સામાજિક કાર્યકરો દ્વારા મૂર્તિઓના વિસર્જન માટે યોગ્ય નિકાલ લાવવા, કૃત્રિમ તળાવો બનાવવા સહિતની રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ, તંત્ર કોઇ દાદ આપવામાં આવી નથી. અને જાહેરનામાનો કડક રીતે અમલ કરવા લોકોને અપીલ કરી છે.

નાગરવાડાના લોકોએ મ્યુનિ. કમિશનરના બંગલાની બહાર મૂર્તિઓ મુકી દેવાની ચીમકી ઉચ્ચારી
તંત્રના કડક વલણ સામે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. નાગરવાડાના લોકોએ મ્યુનિસિપલ કમિશનરના બંગલાની બહાર મૂર્તિઓ મુકી દેવાની ચીમકી ઉચ્ચારી છે. તો વળી સંજયનગર અને કિશનવાડીના શ્રદ્ધાળુઓએ 5 હજાર રૂપિયાનો દંડ ભરીને પોતાના વિસ્તારોના તળાવોમાં મૂર્તિઓ વિસર્જન કરવાનું નક્કી કર્યું છે. શ્રદ્ધાળુઓની સાથે આવેલા બરાનપુરા વ્યંઢળ સમાજના અગ્રણી અંજુ માસીએ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને અપીલ કરી છે. હિન્દુ સંગઠનો દ્વારા મૂર્તિઓ ભેગી કરીને વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર અને નર્મદા નદીમાં વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દશામાંની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધને લઇને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ
દશામાંની મૂર્તિઓના વિસર્જન અંગે તંત્ર દ્વારા કોઇ દાદ આપવામાં ન આવતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ છે, ત્યારે તે રોષને જતાં રાત્રે મૂર્તિઓના વિસર્જન કરવા જનાર શ્રદ્ધાળુઓ અને પોલીસ તંત્ર વચ્ચે ઘર્ષણ થવાના સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે. તંત્ર દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવો ખાતે પોલીસ બંદોબસ્તનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે.