અમદાવાદ સિવિલમાં ટપોટપ 630નાં મોત થયાં છતાં કોરોનાના 117 દર્દીને જ ટોસિલિઝુમેબ અપાયા, SVPમાં 650ને અપાતા મૃત્યુઆંક ત્રીજા ભાગનો રહ્યો

0
342

સિવિલમાં 11 હજાર દર્દીઓ વચ્ચે માત્ર 117ને જીવનરક્ષક ટોસિલિઝુમેબ ઈન્જેક્શન અપાયાં, 630નાં મોત થયા,

 SVPમાં 4 હજાર દર્દીઓ વચ્ચે 650 દર્દીને ટોસિલિઝુમેબ અપાતા માત્ર 225નાં મોત થયા
અમદાવાદ મ્યુનિ.ને પણ ગુજરાત સરકારે ઈન્જેક્શન ફાળવ્યા હતા, એક ઈન્જેક્શન મ્યુનિ.ને અંદાજે રૂ.33 હજારમાં પડે છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મોટા મૃત્યઆંકના વિવાદમાં ઘટસ્ફોટ થયો છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 11 હજાર દર્દીઓએ સારવાર લીધી હોવાનો દાવો હોસ્પિટલ તંત્રે કર્યો છે. જો કે, આ દર્દીઓમાં માત્ર 117 દર્દીઓને જ જીવનરક્ષક ટોસિલિઝુમેબ ઈન્જેક્શન અપાયા છે.સિવિલમાં કુલ 630 લોકોના મોત થયા છે. ગંભીર દર્દીઓને ટોસિલિઝુમેબ નહીં આપ્યા હોવાને કારણે આટલી મોટી સંખ્યામાં મૃત્યુ થયા હોવાનું ડોક્ટરોનું માનવું છે.

બીજી તરફ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં માર્ચથી અત્યાર સુધી અંદાજે 4 હજાર દર્દીઓની સારવાર કરાઈ છે. જેમાં 650થી વધુ દર્દીને ટોસિલિઝુમેબ અપાયા છે અને અહીં કુલ 225 લોકોના મૃત્યુ થયા છે. આમ સિવિલમાં ટપોટપ મૃત્યુ થવા પાછળનું કારણ ઈન્જેક્શન ન આપ્યા હોવાનું મનાય છે અને એસવીપીમાં ઈન્જેક્શન અપાતા મૃત્યુઆંક સિવિલ કરતાં ત્રીજા ભાગનો રહ્યો છે. મ્યુનિ.ને પણ રાજ્ય સરકારે ઈન્જેક્શન ફાળવ્યા હતા. મ્યુનિ.ને એક ઈન્જેક્શન 33 હજારમાં પડે છે.

ટોસિલિઝુમેબ સાયટોકાઇન સ્ટોર્મમાં દર્દી માટે જીવનરક્ષક સાબિત થાય છે
કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ પદ્મ શ્રી ડો. તેજસ પટેલે જણાવ્યું કે, વાઈરસ જયારે શરીરમાં જાય ત્યારે તેની સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ હોય તેમાંથી મલ્ટિપ્લાય થાય છે, ત્યારે મેસેન્જર સેલ એન્ટિબોડીને મેસેજ આપે છે. પરંતુ, ઘણી વખત સાયટોકાઇન સ્ટોર્મને લીધે મેસેન્જર સેલ સામાન્ય કરતાં ઘણાં વધુ બની જાય છે, જેને લીધે મેસેજ વધુ પડતાં જાય છે, જેથી એન્ટિબોડ વધુ બનતાં જાય છે. આ એન્ટિબોડી વાઈરસ સામે તો લડે જ છે પણ એન્ટિબોડી સેલ વધુ પ્રમાણમાં હોવાથી જે ડિસિપ્લિન આર્મી હોય તે વાયોલેન્ટ મોબ જેવું થઇને શરીરનાં પોતાના સેલ ઉપર પણ એટેકે કરે છે, જેથી દર્દીને ક્લોટિંગ થાય છે. આવાં સમયે ટોસિલિઝુમેબ આપવાથી તે ઇન્ટરલ્યુકિમ રિસેપ્ટર સાથે બાઇન્ડ થઇ જાય છે, અને શરીરના ટિશ્યુ પર એટેક કરવાનું ઓછું થઇ જાય છે. જેથી દર્દીને સાયટોકાઇન સ્ટ્રોમ સમયે ટોસિલિઝુમેબ જીવનરક્ષક સાબિત થઇ શકે છે.