નવા પ્રમુખ સી.આર પાટીલે શરૂ કરી બેઠકો, હોદ્દેદારોની કામગીરીની સમીક્ષા થાય છે, સેલ-મોરચાની નિષ્ક્રિયતાની ફરિયાદ
ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે પક્ષ પ્રમુખ પાટીલે બેઠકોનો દોર શરૂ કર્યો છે, જેમાં પ્રદેશ માળખાની સાથે યુવા મોરચા, મહિલા મોરચા સહિતના વિવિધ સેલ, અને મોરચાની કામગીરીની સમીક્ષાની સાથે સેલ, મોરચાના પ્રમુખોની સંપૂર્ણ પ્રોફાઈલનો અભ્યાસ શરુ કર્યો છે તે જોતા આગામી દિવસોમાં આવા વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારોમાં પણ ધરમૂળથી ફેરફારોની સાથે કામગીરી પણ બદલવા આવી શકે છે.
ગત ટર્મ દરમિયાન મહિલા મોરચો સતત નિષ્ફળ રહ્યો
ભાજપના પ્રમુખપદનો ચાર્જ સંભાળતાની સાથે જ સી.આર પાટીલે સતત બેઠકો શરૂ કરી છે, જેમાં આગામી સમયમાં થનારી સંગઠનની ફેર બદલ પર ચર્ચા કરવામાં આવી રહી છે, વિવિધ ઝોનના મહામંત્રી અને ઉપાધ્યક્ષ પણ બદલી કરી દેવામાં અવશે. એ સિવાય વિવિધ મોરચા જેવા કે યુવા, મહિલાના અધ્યક્ષની પણ ફેરબદલ કરવામાં આવશે. ગત ટર્મ દરમિયાન મહિલા મોરચો સતત નિષ્ફળ રહ્યો હોવાનું અને એજ રીતે યુવા મોરચો પણ સતત નિષ્ફળ રહ્યો હોવાની ફરિયાદો પણ પહોંચી હતી. જેમાં યુવા મોરચાના અનેક નેતાઓએ એવી કરતૂતો કરી હતી જેના કારણે પાર્ટી બદનામ થઇ હતી. તો એ સિવાય ડોક્ટર સેલ જેની પણ કોઈ નક્કર કામગીરી રહી ન હોતી.
સી.આર પાટીલ પ્રદેશના હોદ્દેદારો સાથે વન ટુ વન બેઠક કરી રહ્યા છે
છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ સંગઠનમાં જુથવાદ અને અને સિનિયર જુનિયરની લડાઈ ચરમ પર હતી. આ બાબતને લક્ષમાં રાખીને પણ આગામી સમયમાં સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે. આ મામલે સી.આર પાટીલ પ્રદેશના હોદ્દેદારો સાથે વન ટુ વન બેઠક કરી રહ્યા છે. જેમાં સંગઠનના ઉપાધ્યક્ષો, મહામંત્રીઓ મોરચાના અધ્યક્ષો સહિતના નેતાઓ સાથે બેઠક યોજી હાલની સંગઠનની સ્થિતિ જે તે વિસ્તારની રાજકીય સ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવે છે, જ્યારે મોરચા અને સેલના આગેવાનોની કામગીરી, સક્રિયતાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.