રાજકોટ: કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીઓમાં મ્યુકરમાયકોસિસ નામના ફૂગજન્ય રોગે વ્યાપક સ્વરૂપ પકડતા દેશના ઘણા રાજ્યો સહિત ગુજરાતે પણ મ્યુકરને મહામારી જાહેર કરી હતી. આ જાહેરાત બાદ તરત જ મ્યુકરની સારવારમાં વપરાતા એમ્ફોટેરિસિન-બી અને લાઇપોસોમાલ ઇન્જેક્શનની અછત વાર્તાવવા લાગી હતી. આ સ્થિતિનો (ગેર)લાભ લેવા લેભાગુઓ મેદાને પડ્યા હતા. લોકોની આફતને સ્વઅવસરમાં બદલવા માટે ટણક ટોળકીઓ અલગ અલગ સ્થળે સક્રિય થઈ હતી અને મ્યુકરના દર્દીઓના પરિજનોને રીતસર ખંખેરવાનું મોટાપાયે ષડયંત્ર રચાયું હતું. જેનો રાજકોટ એસ.ઓ.જી.એ કુનેહપૂર્વક પર્દાફાશ કર્યો હતો.
મેડિકલ ફિલ્ડમાં વ્યાપ્ત કૌભાંડ પકડવામાં રાજકોટ એસ.ઓ.જી.ને સફળતા મળી હતી. મ્યુકરની સારવારમાં વપરાતા ઇન્જેક્શનોને બ્લેકમાર્કેટમાં વહેંચીને મોટી મલાઈ તારવી લેવાના આ કાળા ધંધામાં ઇન્જેક્શન ઉત્પાદિત કરતી ફેકટરીનાં કર્મચારીથી લઈને વચેટીયાઓ એવા ડોક્ટર, મેડિકલ સ્ટાફ, કેમિસ્ટ- મેડિકલ સંચાલક સહિતના 14 ચિટરિયાઓને રાજકોટ એસ.ઓ.જી.એ દબોચી લેતા રાજ્યમાં વ્યાપ્ત મેડિકલ માફિયાઓમાં ફફડાટ ફેલાવવા સાથે ચકચાર મચી ગઇ છે.
સમગ્ર કૌભાંડના તાર અંકલેશ્વરની લાયકા કંપની સુધી લંબાયા છે કે જ્યાં આ ઇન્જેક્શનો બનતા હતા. ઉક્ત કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા મૂળ મહારાષ્ટ્રના વિશ્વાસ પાવરાથી આ કૌભાંડની શરૂઆત થઈ હતી.

મેડિકલ ફિલ્ડમાં વ્યાપ્ત કૌભાંડ પકડવામાં રાજકોટ એસ.ઓ.જી.ને સફળતા મળી હતી. મ્યુકરની સારવારમાં વપરાતા ઇન્જેક્શનોને બ્લેકમાર્કેટમાં વહેંચીને મોટી મલાઈ તારવી લેવાના આ કાળા ધંધામાં ઇન્જેક્શન ઉત્પાદિત કરતી ફેકટરીનાં કર્મચારીથી લઈને વચેટીયાઓ એવા ડોક્ટર, મેડિકલ સ્ટાફ, કેમિસ્ટ- મેડિકલ સંચાલક સહિતના 14 ચિટરિયાઓને રાજકોટ એસ.ઓ.જી.એ દબોચી લેતા રાજ્યમાં વ્યાપ્ત મેડિકલ માફિયાઓમાં ફફડાટ ફેલાવવા સાથે ચકચાર મચી ગઇ છે.
સમગ્ર કૌભાંડના તાર અંકલેશ્વરની લાયકા કંપની સુધી લંબાયા છે કે જ્યાં આ ઇન્જેક્શનો બનતા હતા. ઉક્ત કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા મૂળ મહારાષ્ટ્રના વિશ્વાસ પાવરાથી આ કૌભાંડની શરૂઆત થઈ હતી. નાઈટ ડ્યુટી દરમ્યાન લાઇપોસોમાલ ઇન્જેક્શનની ભરેલી સિલપેક બોટલો, સ્ટીકર સહિતનો માલ વિશ્વાસ કંપનીમાંથી ઉઠાવી લેતો હતો. આ ચોરી કરેલી બોટલો આ જ કંપનીમાં સ્ટોરકીપર તરીકે કામ કરતા શુભમ રામપ્રસાદ તિવારીને પહોંચાડતો. શુભમ પોતાના કબ્જામાં રહેલા સ્ટોરમાંથી અન્ય સ્ટીકર અને પેકીંગ મટીરીયલ સહિતની સામગ્રી ચોરી કરી ઇન્જેક્શનોને કંપની પેકીંગ મુજબ બોક્સ પેકીંગ કરી તેના રૂમ પાર્ટનર અશરનસાર તુરહા સાથે મળીને આગળ સપ્લાય કરતા હતા.
આ જ ચેઇનમાં આગળ જતાં સુરતનો હાર્દિક મુકેશ વડાલીયા જોડાયો હતો. જે શુભમ પાસેથી ઇન્જેક્શન ખરીદીને અમદાવાદ, સુરત અને જેતપુરમાં દવાની એજન્સી ધરાવતા હિરેન મનસુખ રામાણીને વહેંચતો હતો. હિરેન ઇન્જેક્શનના વાયલ જેતપુરમાં જ મેડિકે ફાર્મા નામની પેઢી ચલાવતા સાગર ચમન કિયાડાને આપતો હતો. રાજકોટની ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં સી.સી.ટી.વી.નું કામ કરતા રુદય મનસુખ જાગાણી પાસે સાગર ચમન દ્વારા ઇન્જેક્શનો પહોંચાડતા અને આ રીતે રાજકોટની માર્કેટમાં ઇન્જેક્શનોની એન્ટ્રી થતી. અહીંથી રાજકોટના અલગ અલગ વચેટીયાઓ મારફત ઇન્જેક્શનો માર્કેટમાં ફરતા થતા.
રાજકોટમાં આવા ઇન્જેક્શનો ખરીદીને વેચવા માટે અન્ય ચીટર ગેંગ સક્રિય થતી. જેમાં મેહુલ ગોરધન કટેશિયા, અશોક નારણ કાગડિયા, રાયસિંગ ઉર્ફે ગોપાલ જગદીશ વંશ, નિકુંજ જગદીશ ઠાકર (તમામ નર્સિંગ સ્ટાફ), ડૉકટર વત્સલ હંસરાજ બારડ, ડૉ.યશ દિલીપ ચાવડા (બન્ને આયુર્વેદિક ડૉકટર), ઉત્સવ નિમાવત (ક્રિષ્ના હોસ્પિટલ મેનેજમેન્ટ) મુખ્ય નામો બહાર આવ્યા છે. આ સમગ્ર ચેઇનમાં મૂળ 345ની કિંમતના ઇન્જેક્શન ઉપર દરેક વચેટીયાઓ પોતાનું (કાળું) કમિશન ચડાવી ચડાવી છેલ્લા જરૂરિયાતમંદ દર્દી સુધી પહોંચતા ઇન્જેક્શનની કિંમત 6500 રૂપિયાની થઈ જતી હતી.
જોતજોતામાં 14 ચિટરિયાઓનો હારડો થઈ ગયો
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને 27 મેના રોજ મળેલી બાતમીને આધારે 28 તારીખે રૈયા રોડ પર સેલસ હોસ્પિટલ પાસેથી મેહુલ ગોરધન કટેશિયાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. મળેલી માહિતીની ખરાઈ કરવા માટે એસ.ઓ.જી.એ એક ડમી ગ્રાહક 28મેના રોજ મોકલીને કન્ફર્મ કર્યું હતું અને મેહુલને લાલ આંખ દેખાડતા જ સમગ્ર કડીઓ એક પછી એક જોડાવવા લાગી હતી. જોત જોતામાં 14 ચીટરીયાનો હારડો થઈ ગયો હતો. મૂળ કંપનીના સંચાલકોને તો પોતાની કંપનીના કર્મચારીઓ દ્વારા ઇન્જેક્શનોની ચોરી થતી હોવાની જાણકારી જ ન હતી.
રાજકોટમાંથી ઝડપાયેલી ચીટર ટોળકીના તાર સુરત, અમદાવાદ, જેતપુર, જૂનાગઢ સુધી નીકળતા રાજકોટ એસ.ઓ.જી.એ આ ઓપરેશન પાર પાડવામાં રાત દિવસ જોયા વગર અને સબંધિત આરોપીઓને ગંધ ન આવે એ માટે ભારે ગુપ્તતા સેવવા સાથે ત્વરિત ઝડપ પણ દાખવી હતી. આ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના પી.આઈ આર.વાય રાવલ, પી.એસ.આઈ. એમ.એસ.અંસારી, એ.એસ.આઈ રાજુ ભટ્ટ, બાદલ દવે, હેડ. કોન્સ. કિશોરદાન ગઢવી, ધીરેન ગઢવી, કોન્સ્ટેબલ મહમદ અઝરૂદીન બુખારી, સિરાજ ચાનીયા, જ્યૂભા પરમાર, શાંતુબેન મૂળિયા, સોનાબેન મૂળિયા, ભૂમિકાબેન ઠાકર, હરિભાઈ બાલાસરા સહિતનાએ કરેલી કામગીરીને બિરદાવતા પો. કમી. મનોજ અગ્રવાલે સમગ્ર ટીમને રૂપિયા 15000નું ઇનામ જાહેર કરી તમામ ટીમને અભિનંદન આપ્યા હતા અને પોલીસ વડાને પણ આ કામગીરીથી વાકેફ કર્યા હતા.