- ગ્રાઉન્ડ લેવલથી 23 મીટર ઊંચાઈએ 10 માળની હોટેલ બની રહી છે
- ડિસેમ્બર સુધીમાં હોટેલ સંપૂર્ણ તૈયાર થઈ જશે
દેશમાં પીપીપી ધોરણે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર તૈયાર થઈ રહેલી 5 સ્ટાર હોટેલની કામગીરી અંતિમ તબક્કામાં છે. દેશમાં પહેલી વાર રેલવે ટ્રેક પર તૈયાર થઈ રહેલી આ 5 સ્ટાર હોટેલની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં મોટાભાગનું સિવિલ વર્ક પૂર્ણ કરી દેવાયું છે અને હાલમાં ફર્નિચર, ઇન્ટીરિયર અને ફર્નિશિંગ સહિતની કામગીરી ચાલી રહી છે, જેના માટે 15 એજન્સીના 950થી વધુ કારીગરો કામ કરી રહ્યા હોવાનું ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (આઈઆરએસડીસી)ના અધિકારીએ જણાવ્યું છે. રાજ્ય સરકારના સહયોગથી તૈયાર થઈ રહેલી 10 માળની આ હોટેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2021 પહેલા લોકો માટે ખુલ્લી મુકાય તેવી શક્યતા છે.
સ્ટેશન પર મોલ, ખાણીપીણીના સ્ટોલ હશે
સ્ટેશન બિલ્ડિંગ પર હોટેલની સાથે સ્ટેશનને પણ રિડેવલપ કરવામાં આવી રહ્યું છે, જેમાં સ્ટેશન પરિસરમાં મોલ, ખાણીપીણી સ્ટોલ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એ જ રીતે હોટેલ માટે મોટા ભાગની વીજ સપ્લાય સોલર પેનલથી પૂર્ણ કરવામાં આવશે.
હોટેલમાંથી સીધા મહાત્મા મંદિરમાં જઈ શકાશે
ગાંધીનગર કેપિટલ રેલવે પ્લેટફોર્મ પર બની રહેલી હોટેલમાં રોકાયેલી વ્યક્તિ સીધી મહાત્મા મંદિરમાં જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટેલ બનાવવાની કામગીરી મે, 2017માં શરૂ કરાઈ હતી. આ હોટેલ સપ્ટેમ્બર 2019 સુધીમાં પૂર્ણ કરવાની હતી, પરંતુ રેલવે લાઇનની પર કામગીરી કરવામાં મુશ્કેલીઓ આવતા કામગીરી લગભગ એક વર્ષ મોડી પડી હતી.