આજથી વડોદરામાં કોરોના ટેસ્ટ ડબલ થશે : મુખ્યમંત્રી , બેડની વ્યવસ્થા 15 દિવસમાં વધારીને 5 હજાર કરાશે

0
229
  • ખાનગી હોસ્પિટલ વધુ રૂપિયા લે તો પગલાં ભરાશે.
  • સરકારી હોસ્પિટલમાં 5 ઓગસ્ટ સુધી 150 નવાં વેન્ટિલેટર અપાશે
  • મુખ્યમંત્રીએ શહેરમાં કોરોનાની પરિસ્થિતીની સમિક્ષા કરી

 વડોદરા શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિનો ચિતાર મેળવવા માટે આવેલા મુખ્યમંત્રીએ શહેરમાં ગુરુવારથી કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા ડબલ કરવાનો આદેશ આપ્યો છે. અત્યાર સુધી શહેરમાં રોજ 600 થી 800 વચ્ચે ટેસ્ટિંગ થતા હતા, જ્યારે ગુરુવારથી 1200 થી 1500 ટેસ્ટિંગ કરવામાં આવશે. જેના પગલે પોઝિટિવ કેસોની સંખ્યા 100ની ઉપર જઈ શકે છે.

5 ઓગસ્ટ સુધી 150 નવાં વેન્ટિલેટર શહેરની સરકારી હોસ્પિટલમાં અપાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કલેક્ટર કચેરીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વડોદરામાં હાલ 3500 બેડની વ્યવસ્થા છે, જેને 15 દિવસમાં વધારીને 5 હજાર જેટલી કરાશે. હાલ વડોદરામાં 40 થી 50 % બેડ ખાલી છે. સુરત અને અમદાવાદની જેમ વડોદરામાં પણ જરૂર પડશે ત્યારે નવી કોવિડ હોસ્પિટલ તત્કાલિક ઊભી કરાશે. ઉપરાંત શહેરની સરકારી હોસ્પિટલમાં હાલ 250 વેન્ટિલેટર છે, જે વધારાશે. 5 ઓગસ્ટ સુધી 150 નવાં વેન્ટિલેટર શહેરની સરકારી હોસ્પિટલમાં અપાશે. બીજી તરફ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી વધુ રૂ.5 કરોડ વડોદરાને આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.ઉપરાંત વડોદરા તાલુકો, પાદરા, સાવલી, ડભોઇ સહિત જે તાલુકામાં સંક્રમણ વધુ ફેલાયું છે, તેવા તાલુકામાં અઠવાડિયામાં એકેએક વ્યક્તિનું સ્ક્રીનિંગ કરાશે. જ્યારે દરેક વ્યક્તિનું ટેસ્ટિંગ કરી તેમને આયુર્વેદિક દવાઓ અને ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.

દરેક ખાનગી હોસ્પિટલની બહાર સરકારી ગાઈડલાઈન લગાવાશે, જેમાં ખાનગી હોસ્પિટલના નક્કી કરાયેલા ભાવ પણ હશે
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના સામે રક્ષણ માટે સરકારે ટોસિલિઝૂમેબ, રેમીડિસિવીર ઉપલબ્ધ કરાવ્યા છે. જ્યારે હવે નવું ઇટાલીઝૂમા ઇન્જેક્શન પણ લોકો સુધી પહોંચાડાશે. કોઈ પણ દવા અને ઇન્જેક્શનનું બ્લેક માર્કેટિંગ કરશે તો તેને છોડાશે નહિ. જ્યારે ખાનગી હોસ્પિટલમાં વધુ ભાવ લેવાતા હોવાની ફરિયાદ આવતી હોવાના પ્રશ્ન સામે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દરેક ખાનગી હોસ્પિટલની બહાર સરકારી ગાઈડલાઈન લગાવાશે, જેમાં ખાનગી હોસ્પિટલના નક્કી કરાયેલા ભાવ પણ હશે. જો કોઈ હોસ્પિટલ વધુ રૂપિયા લે તો તેની જાણકારી નાગરિકે કલેક્ટર, મ્યુનિ. કમિશનર તેમજ પોલીસને આપશે તો જે તે હોસ્પિટલ વિરુદ્ધ પગલાં ભરાશે. આગામી દિવસોમાં આવતા ગણેશોત્સવ, જન્માષ્ટમી, સંવત્સરી સહિતના તહેવારોનું આયોજન બંધ રાખી લોકો ઘરે ઉત્સવ મનાવે.

જનપ્રતિનિધિ સાથે બેઠક: સાંસદે કહ્યું કે, ગણેશોત્સવનાં નાણાં કોરોનાના ટેસ્ટ માટે મંડળ તૈયાર, CMનો આવકાર
મુખ્યમંત્રી અને ના. મુખ્યમંત્રીએ સાંસદ,ધારાસભ્યો અને મેયર સાથે બેઠક યોજી હતી. જેમાં સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે, એક ગણેશ મંડળે ગણેશોત્સવનો તમામ ખર્ચ કોરોનાના રેપીડ ટેસ્ટ માટે આપવાની તૈયારી બતાવી છે. જેને મુખ્યમંત્રીએ આવકાર આપી કાર્યવાહી કરવા પાલિકાને સૂચના આપવાનો સંકેત આપ્યો હતો.

અધિકારીઓ સાથે બેઠક: સયાજી-ગોત્રીમાં રોજ કેટલા દર્દી છે અને કેટલા બેડ ખાલી છે તેની વિગત મૂકવા આદેશ
સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં રોજ કેટલા દર્દી દાખલ છે અને કેટલા બેડ ખાલી છે તેની વિગતો જાહેરમાં મૂકવા મુખ્યમંત્રીએ કલેક્ટર તેમજ મ્યુ.કમિ.ને સૂચના આપી છે. સરકારી હોસ્પિટલમાં 40 થી 50 % બેડ ખાલી છે, ત્યારે લોકોમાં સરકારી હોસ્પિટલમાં જગ્યા નથી તેવી ગેરસમજ ઊભી ન થાય તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

તબીબો સાથે બેઠક : વડોદરા IMAએ તબીબોને કોરોના વોરિયર્સ ગણી વીમા કવચ આપવા માગ કરી
સીએમ સાથેની બેઠકમાં IMAના પદાધિકારીઓએ તબીબોને કોરોના વોરિયર્સ ગણી વીમા કવચ આપવા રજૂઆત કરી હતી. સારવારની કોસ્ટ વધી જતી હોવાની, ગ્રામીણ દર્દી વડોદરામાં ઓછા આવે તેવી વ્યવસ્થા અને ટોસિલિઝૂમેબ સરળતાથી મળે તે માટે એજન્સી નીમવા, બાઇપેપ વેન્ટિલેટર વધુ મળે તે માટે રજૂઆત તબીબોએ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here