જામનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ

0
347

કૃષિમંત્રી  આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરાયું

જીવન અને સંસ્કૃતિ સાથે પ્રકૃતિની સુરક્ષાનું આચરણ ખૂબ આવશ્યક  -મંત્રી આર.સી.ફળદુ

વૃક્ષને વાસુદેવ માની દરેક પ્રસંગે રોપવા અનુરોધ કરતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર “प्रकृति है तो हम हैं”ના સિદ્ધાંતને મૂર્તિમંત કરવા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ જામનગર મહાનગરપાલિકા અને વનવિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે ટાઉનહોલ ખાતે કૃષિમંત્રી  આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રસંગે મંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતું કે, પર્યાવરણની સમતુલા જાળવવા હાલ વિશ્વ સક્રિય છે પરંતુ પ્રકૃતિની ગતિવિધિઓને પ્રાકૃતિક રીતે જ મુલવી, સમજી અને માણસજાતે તેની સુરક્ષા કરવા આગળ આવવું જોઈએ. પ્રકૃતિએ આપેલ ચીજોનો ભોગ કરવા સાથે જ જીવન અને સંસ્કૃતિના સંરક્ષણની જેમ જ પ્રકૃતિની સુરક્ષાનું આચરણ પણ ખૂબ આવશ્યક છે.


આ વર્ષે  પ્રકૃતિનું પુનઃસ્થાપનએ વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે. ત્યારે પ્રકૃતિના પુનઃસ્થાપનમાં વૃક્ષોની મહત્તા સમજી પ્રકૃતિની સમતુલા જાળવવામાં યોગદાન આપીએ, સાથે જ પ્રદૂષણને ઓછું કરીએ તેમ મંત્રી એ ઉમેર્યું હતું.


આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ મહામારીના સમયમાં લોકોએ ઓક્સિજનના મહત્વને પિછાણ્યું છે, ત્યારે વૃક્ષો એ ઓક્સિજનના દાતા છે. આ સમયે વધુમાં વધુ વૃક્ષો રોપીને વાતાવરણને શુદ્ધ કરવા  અને કોઈપણ પ્રસંગે વૃક્ષમાં વાસુદેવ માની એક વૃક્ષ રોપવાનું  પ્રણ લેવા રાજ્યમંત્રી એ અનુરોધ કર્યો હતો.


આ અંગે મેયર  બીનાબેન કોઠારીએ પ્રકૃતિની સુરક્ષા સાથે જ પર્યાવરણ સંવર્ધનને પણ મહત્વ આપી પ્રકૃતિ તરફ સહાનુભૂતિ નહીં પણ સહ અનુભૂતિ અનુભવવા અપીલ કરી હતી.


કાર્યક્રમમાં મંત્રી ઓએ વૃક્ષારોપણ કર્યા બાદ ૨ ફાયર ફાઇટર વાહનો જામનગર મહાનગરપાલિકાને અર્પિત કર્યા હતા. કાર્યક્રમ બાદ મંત્રી ઓ દ્વારા નવાનગર સરકારી હાઇસ્કુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં તેમજ નવાનગર હાઇસ્કુલ ખાતે ડેપ્યુટી મેયર  તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા  કુસુમબેન પંડ્યા, દંડક  કેતનભાઈ ગોસરાણી, ગાર્ડન સમિતિના ચેરમેન  ડિમ્પલબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ  હસમુખભાઈ હિંડોચા, મહામંત્રી  મેરામણભાઇ ભાટુ, પૂર્વ મેયર ધીરુભાઇ કનખરા,  આર.કે.શાહ, સી.સી.એફ  વસાવડા, કમિશનર  સતીષ પટેલ, ડી.સી.એફ  સેન્થીલકુમાર, આસિસ્ટન્ટ કમિશનર  વસ્તાણી, ડેપ્યુટી કમિશનર  ભાર્ગવ ડાંગર, નવાનગર હાઇસ્કુલના આચાર્યા ફાલ્ગુનીબેન પટેલ, વ્યવસ્થાપન કર્મચારી વિજય રાજ્યગુરૂ વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


                      
અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here