હવે ધડાધડ કોરોનાના ટેસ્ટ થશે: ૫૦,૦૦૦ એન્ટીજન કિટ મંગાવાઈ

0
321

મુખ્યમંત્રીની જાહેરાત બાદ કલેકટરની સુચનાથી કોર્પોરેશન અને જિલ્લા પંચાયતે ૨૫-૨૫ હજાર કિટનો ઓર્ડર આપ્યો: ટેસ્ટનું પ્રમાણ વધારવા તંત્રની કવાયત


મુખ્યમંત્રીની ગઈકાલની જાહેરાતને પગલે જિલ્લા કલેકટરની સુચનાથી શહેર અને જિલ્લા માટે કુલ ૫૦,૦૦૦ એન્ટીજન કીટ મંગાવવામાં આવી છે. જેથી હવે કોરોનાના ટેસ્ટ ધડાધડ કરવામાં આવશે. આમ વહીવટી તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ વધારવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઈકાલે કોરોના સંદર્ભે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત વેળાએ તેમની સાથે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના ટેસ્ટ બમણા કરવાની મહત્વની જાહેરાત કરી હતી. સાથો સાથ કોરોનાની લડાઈ માટે રાજકોટને સી.એમ. રીલીફ ફંડમાંથી રૂા.૫ કરોડની ફાળવવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીની આ જાહેરાતના પગલે જિલ્લા કલેકટર રેમ્યા મોહને ટેસ્ટ વધારવાની લગત તંત્રને સુચના આપી હતી. જેના પગલે મહાપાલિકાએ સિટી વિસ્તાર માટે તેમજ જિલ્લા પંચાયતે ગ્રામ્ય વિસ્તાર માટે ૨૫-૨૫ હજાર એન્ટીજન કીટનો ઓર્ડર આપ્યો છે.

આમ કુલ શહેર અને જિલ્લા માટે ૫૦,૦૦૦ એન્ટીજન કીટ મંગાવવામાં આવી છે. સુરત અને અમદાવાદ માટે જ્યાંથી એન્ટીજન કીટ મંગાવવામાં આવી છે ત્યાંથી જ રાજકોટ માટે એન્ટીજન કીટનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

અગાઉ રાજકોટને ૨૦૦૦ એન્ટીજન કીટ પુરી પાડવામાં આવી હતી. જે પૂર્ણ થયા બાદ ૧૫૦૦ કીટ સરકાર દ્વારા આપવામાં આવી હતી. જેમાંથી મોટાભાગની કીટોનો વપરાશ થઈ ગયો છે. હાલ જુજ કીટ બાકી રહી છે. આ કીટનો પણ તાકીદે ઉપયોગ કરી નાખવા જિલ્લા કલેકટર રેમ્યા મોહને આરોગ્ય વિભાગની સુચના આપી છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં વધતા જતાં કેસને ધ્યાને લઈને કોઈ સંક્રમિત દર્દી વધુ સંક્રમણ ન ફેલાવે તે માટે કેસની સંખ્યા વધારવા સુચના આપી હતી.

જેના પગલે સ્થાનિક તંત્ર દ્વારા તુરંત પગલા લેવામાં આવ્યા છે. આ ૫૦,૦૦૦ કીટથી હવે શહેર અને જિલ્લામાં ધડાધડ ટેસ્ટ કરવામાં આવનાર છે.

મેડિકલના છેલ્લા વર્ષના ૪૯ છાત્રો કાલથી સિવિલમાં ફરજ ઉપર

તાજેતરમાં રાજ્ય સરકારે મેડિકલ સ્ટાફની અછતને ધ્યાને લઈ એવો નિર્ણય કર્યો હતો કે, મેડિકલ ક્ષેત્રના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવે અને જરૂર પડ્યે તેની સેવા લેવામાં આવે. જે સંદર્ભે રાજકોટ જિલ્લામાં પણ મેડિકલના છેલ્લા વર્ષના ૮૦ છાત્રોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ હવે તેમાના ૪૯ છાત્રો આવતીકાલથી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટર ખાતે ફરજમાં હાજર થવાના છે. આ વિદ્યાર્થીઓને માસીક વેતન પેટે રૂા.૧૦ હજાર આપવામાં આવશે સાથો સાથ તેઓની રહેવા-જમવાની સુવિધા પણ પુરી પાડવામાં આવશે તેવું અધિક કલેકટર પરિમલ પંડ્યાએ જણાવ્યું છે.

ગોંડલમાં ૪૮ બેડનું કોવિડ સેન્ટર ઉભુ કરાયું: કલેકટરની વિઝિટ

ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાની સારવાર ઉપલબ્ધ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ કવાયત હાથ ધરી હતી. જેના પગલે ગોંડલમાં પાલિકાના સાયન્સ સેન્ટર ખાતે ૪૮ બેડની સુવિધાવાળુ કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેતપુરમાં પણ ૪૮ બેડ ધરાવતી હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે સજ્જ બની છે. આજરોજ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ગોંડલ ખાતેના કોવિડ સેન્ટરની વિઝીટ લીધી હતી. અહીં તેઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સુચના આપી હતી. મળતી માહિતી મુજબ ગોંડલ અને જેતપુરના બન્ને કોવિડ સેન્ટર આવતીકાલથી શરૂ થવાના છે.