કલેકટર રેમ્યા મોહન, સમાજ કલ્યાણ, આરોગ્ય વિભાગ તેમજ લક્ષ્ય ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસથી થર્ડ જેન્ડર્સ માટે યોજાયો રસીકરણ કેમ્પ
ગેર માન્યતાઓથી પર ઉઠી સૌએ રસીકરણ કરાવવા કિન્નર સમાજની અપીલ

રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે સુરક્ષા કવચરૂપી વેક્સિનેશન પ્રોગ્રામ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો માટે વિવિધ તબક્કાઓમાં શરુ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં નવતર પહેલના ભાગરૂપે ટ્રાન્સજેન્ડર લોકોને કોરોના સામે સુરક્ષિતતા આપવા ખાસ વેકસીનેશન કેમ્પનું આયોજન કલેકટર રેમ્યા મોહન, સમાજ કલ્યાણ અને આરોગ્ય વિભાગ તેમજ લક્ષ્ય ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસથી નવયુગ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.
સ્કૂલ ખાતે આયોજિત કેમ્પમાં આજ રોજ એક અલગ જ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રાન્સજેન્ડર્સ વેક્સીન લેવા ઉત્સાહ સાથે આવ્યા હતાં. રસી લીધા બાદ ટ્રાન્સજેન્ડર ગોપી કે જેઓ લક્ષ્ય સંસ્થા સાથે જોડાયેલા છે તેઓએ જણાવ્યું હતું કે, અમે લોકો અત્યાર સુધી કોરોના સામે સુરક્ષિત રહેવા રાજ્ય સરકારની ગાઈડલાઈન પાળતા હતાં. પરંતુ કોરોનાના ડરથી મોટા ભાગે અમે કોઈ પ્રવૃત્તિ કરી શકતા નહીં. હવે અમને રસીનો પ્રથમ ડોઝ મળી રહેતા અમારો આત્મવિશ્વાસ વધ્યો છે. તેમણે તમામ ટ્રાન્સજેન્ડર્સ તેમજ અન્ય લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની ગેર માન્યતાઓમાંથી બહાર નીકળી રસી પર વિશ્વાસ રાખી સૌએ રસીકરણ કરાવવું જ જોઈએ.
જયારે અન્ય ટ્રાન્સજેન્ડર મીરાંદે કંચનદેએ રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત કરી કલેકટર રેમ્યા મોહનનો કેમ્પ કરવા બદલ આભાર માની રસીકરણ માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, રસીની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. સૌએ નિર્ભીક બની રસી લઈ કોરોના સામે સુરક્ષા કવચ મેળવવું જોઈએ. કોરોના મહામારીમાં આપણે ‘’સૌના સાથ સૌના રસીકરણ’’ અભિયાન સાથે કોરોના ભગાડીએ તેમ ઉપસ્થિત ટ્રાન્સજેન્ડર્સ જણાવે છે.

વેક્સીન કેમ્પ અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારી મેહુલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કલેકટર રેમ્યા મોહનના ટ્રાન્સજેન્ડર્સ માટે વેક્સિનેશનના સૂચનને અમે લક્ષ્ય સંસ્થાના સહયોગથી સફળ બનાવી શક્યા છીએ ટ્રાન્સજેન્ડર્સને સમાજના મુખ્ય પ્રવહમાં ભેળવવાનો આ એક નમ્ર પ્રયાસ છે તેઓને કોરોના સામે સુરક્ષા કવચ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ સાથે મળી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૫ થી વધુ ટ્રાન્સજેન્ડર્સને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના ડો. પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, વિવિધ સરકારી વિભાગ, સિનિયર સીટીઝન સહીત વિવિધ ગ્રુપ માટે આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે વેક્સિનેશન કેમ્પ યોજ્યા છે. જયારે આજનો વેક્સિનેશન કેમ્પ વિશેષ છે, કારણકે ટ્રાન્સજેન્ડર્સ લોકોને પણ રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા આધાર પુરાવા ન હોય તો પણ વેક્સિનેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી તેઓને કોરોના સામે રક્ષણ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
લક્ષ્ય ટ્રસ્ટના હુસેન ઘોણીયાએ જણાવ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર્સ પણ સમાજનો એક ભાગ છે તેઓને પણ સમાન અધિકાર મળવા જોઈએ. રસીકરણ માટે કલેકટર ને રજુઆત કરતા આજ રોજ રાજકોટ ટ્રાન્સજેન્ડર્સ માટે ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું.
રાજકોટની નવયુગ સ્કૂલ ખાતે આયોજિત કેમ્પમાં આરોગ્ય વિભાગ, સ્કૂલના જયદીપભાઈ જલુ તેમજ લક્ષ્ય ટ્રસ્ટનો સાથ સહકાર પ્રાપ્ત થયો હતો.