ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે સરકારને રજૂઆત કરીશ: નરેશ પટેલ
રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે શિક્ષિત બેરોજગાર યુવકો માટે દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ જાડેજાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે બેરોજગારીના પ્રશ્નને લઈને હું મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે સમય માંગીશ અને સમગ્ર મામલે રજૂઆત કરીશ. આ સાથે જ જણાવ્યું હતું કે એક ગુજરાતીના હાથે રામ મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે તે ખૂબ મોટી વાત કહી શકાય અને ઐતિહાસિક ઘડી પણ કહી શકાય.
નરેશ પટેલે યુવાનોને આશ્વાસન આપ્યું
સરદાર પટેલ ભવન ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દિનેશ બાંભણિયા તેમજ યુવરાજસિંહ હાજર રહ્યાં હતા. બેઠકમાં છેલ્લા કેટલાય સમયથી સરકારી ખાતાઓમાં જે ભરતી પ્રક્રિયા ખોરંભાય છે તે ભરતી પ્રક્રિયા તાત્કાલિક અસરથી શરૂ થાય તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે નરેશ પટેલે તમામ યુવાનોને આશ્વાસન આપ્યું હતું કે હું ચોક્કસ સરકારમાં આ બાબતે રજૂઆત કરીશ અને આગામી સમયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરીશ. રામ મંદિર મુદ્દે નરેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષોથી રામ મંદિર માટે ઘણા લોકોએ પોતાનું યોગદાન, પોતાનું બલિદાન આપ્યું છે. ત્યારે આખરે રામ મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે તે ઐતિહાસીક ઘડી આવી રહી છે અને તેમાં પણ એક ગુજરાતીના હાથે જે શિલાન્યાસ થવા જઈ રહ્યો છે તે ખૂબ આનંદની વાત કહેવાય.