લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા જસદણમાં હાથ ધરાયો નવતર પ્રયોગ

0
430

ચાના વેપારી-દુકાનદારો દ્વારા ચા-કોફીની સાથે હર્બલ ટીનું પણ થઇ રહયુ છે વેચાણ કોરોના સામેના જંગમાં ચા વેચનારાઓની પણ ઉમદા સહભાગીદારીતા

જસદણ શહેરમાં દસ જેટલી ચાની કીટલી કમ હોટલ ઉપર ચાની સાથે હર્બલ ટી પણ ઉપલબ્ધ છે. કોરોના સંક્રમણથી બચવા લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા વધે તે માટે જસદણમાં એક નવતર પ્રયોગ જસદણના પ્રાંત અધિકારીશ્રી પી.એચ. ગલચરે કર્યો છે.


            જસદણમાં કોરોનાના સંક્રમણ સામે લોકોને સજજ કરવા પ્રાંત અધિકારીશ્રીએ જસદણ શહેરના ૧૩ જેટલા ચાની હોટલ- કીટલીના વેપારીઓની મીટીંગ કરી હતી. જેમાં ગુજરાત સરકારના આયુષ વિભાગ દ્વારા નકકી કરવામાં આવેલ રોગ પ્રતિકારક શકિતવર્ધક તેમજ કોરોના વાઇરસ અને ચોમાસામાં થતાં અન્ય રોગો સામે રક્ષણ આપતી આયુર્વેદિક (હર્બલ ટી)નું વિતરણ કરવાનું જણાવ્યુ હતું. જેમા આયુષ વિભાગના ડો. રજની જાદવ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી ચાના વેપારીઓને આયુર્વેદ ઉકાળો-હર્બલ ટી બનાવવાની તાલીમ અપાઇ હતી.


પ્રાંત અધિકારીશ્રી ગલચર આ વિશે કહે છે કે અમે જસદણ અને વિછિયા તાલુકામાં કોરોના વાયરસને કાબુમાં રાખવા મહેસુલ, પોલીસ, આરોગ્ય, નગરપાલિકાના સહયોગથી  ફરજિયાત માસ્ક, સેનિટાઇઝર, સોશ્યિલ ડિસ્ટન્સના નિયમોનું તો પાલન કરાવીએ જ છીએ. સાથો સાથ જયાં  લોકો ભેગા થતા હોય તેવી ચાની હોટલ- વેપારીઓના સહકારથી લોકોના આરોગ્ય માટે હિતકારી હર્બલ ટી નું વેચાણ પણ શરૂ કરાવ્યુ છે.


જસદણમાં ચાની દુકાન ધરાવતા હાજાભાઇ વકાતર કહે છે કે લોકોની રોગ પ્રતિકાર શકિત વધારતી હર્બલ ટી શરૂ કર્યાને હજુ બે-ચાર દિવસ જ થયા છે. આમ છતાં અનેક લોકો આ હર્બલ ટી પીવા આવી રહયા છે. હાજાભાઇ કહે છે કે, અમને વહિવટી તંત્ર દ્વારા ચા, કોફીની સાથે હર્બલ ટી કમ ઉકાળાનું વેચાણ પણ કરવા જણાવાયું હતું અને અમને તે કેમ બનાવાય તેની રીત પણ શીખવી હતી.
તો સવાર સાંજ હર્બલ ટી પીવા આવનારા જસદણના વેપારી રફિક ગોબડા કહે છે કે હું મારા કુટુંબના સભ્યો માટે પણ દરરોજ હર્બલ ટી લઇ જાવ છું. અત્યારે કોરાના અને ચોમાસાના સમયમાં હર્બલ ટી શરદી, તાવ, કફ વગેરે બિમારીઓ માટે તો ઉપયોગી છે.
ચાના વેપારી રઘુભાઇ હકાભાઇ મુંધવા કહે છે કે અમારી હર્બલટીમાં દેશી ઉકાળા, ફુદીનો, આદુ, લીંબુ વગેરે નાખવામાં આવે છે. જેથી લોકોને ટેસ્ટનું પણ આકર્ષણ રહે. આ હર્બલ ટીનું રૂપિયા ૫ માં વેચાણ કરાય છે જયારે એક ચાના વેપારી વિનામૂલ્યે પણ હર્બલ ટી લોકોને પીવડાવી રહયા છે.


નાયબ મામલતદાર પિયુષ ચુડાસમા કહે છે કે, અમારા જિલ્લા સેવા સદનમાં પણ અમે દરરોજ બે ટાઇમ ચા પીવાના બદલે હર્બલ ટી પી રહયા છીએ. એટલુ જ નહી હર્બલ ટી બને તેવી વ્યવસ્થાઓ પણ કચેરીમાં ઉપલબ્ધ કરી છે. તેમની જેમ જ ચીફ ઓફિસરશ્રી પાર્થ ત્રિવેદી પણ કહે છે કે તેમની ઓફિસમાં પણ દરરોજ ઉકાળો સ્ટાફ દ્વારા પીવામાં આવે છે.

અહેવાલ:- કરશન બામટા ,આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here