પેટ્રોલ અને ડીઝલ વિના ચાલશે આ મીનિ ટ્રેક્ટર, ડીસાના ખેડૂતે કર્યો સફળ પ્રયોગ

0
829

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતનું એક ઇનોવેશન સામે આવ્યું છે. નવીન માળી નામના આ ખેડૂતે સૂર્ય ઉર્જા અને બેટરીથી ચાલતું એક મિની ટ્રેક્ટર બનાવ્યું છે. માત્ર ત્રણ મહિનાની મહેનત અને ૧.૭૫ લાખના ખર્ચે આ વાહનનું નિર્માણ થયું છે. આ ટ્રેક્ટર બનાવવા ખેડૂતે સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ કર્યો છે.તેમના કહેવા પ્રમાણે એકવાર ચાર્જ કર્યા પછી આ ટ્રેક્ટર ૭૦ કિલોમીટર સુધી ચલાવી શકાય છે. આ ટ્રેક્ટર ૫૦૦ કિલોગ્રામનું વજન વહન કરી શકે છે. આ ટ્રેક્ટર સોલારથી ચાલે છે. તેમાં બેટરી લાગેલી હોવાથી સોલાર સિસ્ટમથી ચાર્જ થાય છે. આ ખેડૂત હંમેશા ઓછા ખર્ચે મબલખ ખેતીવાડી થાય તેવા પ્રયાસો કરતા હોય છે. આ ટ્રેક્ટર બનાવવામાં તેમણે ટ્રેક્ટરના બોડી વર્કનું કામ કરતાં હર્ષદ પંચાલનો સહયોગ મેળવ્યો હતો. નવીન માળી તેમના ખેતરમાં હવે આ મિની ટ્રેક્ટરથી કામ કરી રહ્યાં છે.

સામાન્ય રીતે ખેડૂતોને દરવર્ષે ડીઝલનો એક લાખ રૃપિયા ખર્ચ કરવો પડતો હોય છે. આ મિની ટ્રેક્ટર બાગાયગી પાકોમાં પણ ઉપયોગી નિવડે છે. એ સાથે પશુપાલન કરતા ખેડૂતોને દૂધ ભરાવવા, ઘાસચારો લાવવા, ખાણ-દાણની હેરફેર કરવામાં મદદરૃપ થાય તેવું છે. સૌથી મહત્વનો ફાયદો એ છે કે આ ટ્રેક્ટરમાં ઇંધણ નહીં હોવાથી પ્રદૂષણની સમસ્યા પણ રહેતી નથી. ટ્રેક્ટરનું કામ કરતાં હર્ષદ પંચાલ બે કારીગરો સાથે રોજનું પાંચ કલાક કામ કરતા અને તેમણે ૯૦ દિવસમાં આ સર્જન કર્યું છે. રાજ્યના કૃષિ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં એવા પ્રગતિશીલ ખેડૂતો છે કે જેઓ નિતનવા ઇનોવેશન દ્વારા ખેતીવાડી ક્ષેત્રમાં સુધારા કરતા રહ્યાં છે. જો આ ખેડૂતના ટ્રેક્ટરનું મોડલ સફળ હોય તો સરકારે બીજા ખેડૂતોને પણ આવા ટ્રેક્ટરના નિર્માણ માટે આર્થિક સહાય કરવી જોઇએ, કે જેથી ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here