સૌ.યુનિ.ના ઉપકુલપતિને NSUIએ કાજુ-બદામ આપીને ઓનલાઇન શિક્ષણને પગલે 50% ફી માફી આપવા માંગ કરી

0
64

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં છેલ્લા એક વર્ષથી ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે અને આ મહામારીની પરિસ્થિતિ દરમિયાન ઘણા વાલીઓની નોકરી, ધંધામાં મુશ્કેલી થવા પામી છે. જેને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા NSUI દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉપકુલપતિને કાજુ-બદામ આપી 50% ફી માફી આપવા માટે માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીએ વિદ્યાર્થી અને વાલીઓને સહયોગ કરવો જોઇએ
રાજકોટ જિલ્લા NSUIના પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. આ કોરોનાની મહામારી દરમિયાન ઘણા વાલીઓના નોકરી ધંધા પર આર્થીક અસર પહોંચી છે. જેના કારણે 50% ફી માફી કોલેજો દ્વારા આપવી જોઇએ. આ સાથે તેઓએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્યો કોલેજો સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ છે તો સાથે મળી વિદ્યાર્થી અને વાલીઓને સહયોગ કરવો જોઇએ.

ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરવામાં આવશે- ઉપકુલપતિ
તો આ સાથે ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં કોઈ વિદ્યાર્થીના માતા-પિતા કે ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થયું હશે તો તેને સંપૂર્ણ ફી માફી આપવા અંગે નિર્ણય કરવામાં આવશે. આ સાથે પીજીની બાકી રહેતી પરીક્ષાઓ ઓનલાઇન લેવી કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. જે પણ ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here