સંતોએ નવા જળની આરતી ઉતારી પૂજન કર્યું
બોટાદ જિલ્લાના ગઢડા શહેરની મધ્યમાં ભાવનગરના દિવાન પટ્ટણી સાહેબે બંધાવેલો રમાઘાટ ડેમ ઓવરફલો થતાં સાધુ-સંતો અને ગઢડાવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી, ઘનશ્યામ વલ્લભદાસ સ્વામી, સંજય ભગત સહિતના સંતોએ નવા નીરના વધમણાં કર્યાં હતા. સંતોએ નવા જળની આરતી ઉતારી પૂજન કર્યું હતું.
ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર
ગઢડા પંથકમાં અવિરત વરસાદને પગલે પીવા અને સિંચાઈના પાણીની તકલીફમાંથી લોકોને મુક્ત કર્યો છે. ગઢડાના ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રમાઘાટ ડેમમાં નવા નીરની આવક થઈ હતી. જેથી રમાઘાટ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ગઢડાવાસીઓ આનંદીત બની ગયા હતા અને નવા નીરના વધામણાં કરવા વહેલી સવારથી જ રમાઘાટ ડેમ ખાતે પહોંચી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ખેતી માટે લાભદાયક આ ડેમ સૌની યોજના હેઠળ ભરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.