- ચેપી કપડાં હોસ્પિટલની ડસ્ટબિનમાં
- સ્ટાફે કપડાં આપતા કચરાપેટીમાં નાખ્યા
સ્મીમેર પણ કોરોનાના દર્દીઓથી ઉભરાય રહી છે ત્યારે હોસ્પિટલ સ્ટાફ જ કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યો હોય એવો કિસ્સો સામે આવ્યો છે.15 દિવસ અગાઉ જ શંકાસ્પદ કોરોના દર્દી તરીકે સ્મીમેરની કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા પાંડેસરાના 70 વર્ષીય દર્દીની ખબર અંતર જાણવા જ્યારે પત્ની સ્મીમેર આવી ત્યારે દર્દીએ ફોન પર પોતાના કપડાં અને ઘરેથી મોકલાવેલી જમવાની થાળી સાથે લઈ જવા જણાવ્યું હતું. બાદમાં પત્નીએ કોવિડ હોસ્પિટલ બહાર વસ્તુઓ દર્દી સુધી પહોંચાડવા બેઠેલા સ્ટાફને વાત કરી વસ્તુ મંગાવી આપવા કહ્યું હતું. સ્ટાફે કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીના કપડાં અને થાળી એક કોથળીમાં મહિલાને આપી દીધા હતા. મહિલા કપડાં અને થાળી લઈ રવાના થઈ ગઈ હતી. જોકે, બાદમાં મહિલાને ભુલ સમજાતા કોથળામાંથી કપડાં કાઢી સ્મીમેરની બહાર મુકાયેલી કચરા પેટીમાં કપડાં નાખી દીધા હતા પણ થાળી સાથે રવાના થઈ હતી.



ડિસ્ચાર્જ પૂર્વે કપડાં આપી શકાય નહીં
સ્મીમેરમાં એક બોર્ડ મુકાયું છે કે, દાખલ દર્દીના ઘરેથી અપાયેલા કપડાં દર્દીના ડિસ્ચાર્જ પહેલા પરત અપાશે નહીં અને જો કોઈ વસ્તુ બિનજરૂરી લાગશે તો એનો નિકાલ બાયો મેડિકલ વેસ્ટના નિકાલની ગાઈડલાઇન મુજબ કરાશે.આ મામલે સ્મીમેર હોસ્પિટલના સિનિયર આર.એમ.ઓ જયેશ પટેલ અને કોવિડ હોસ્પિટલનું કામકાજ સાંભળતા આર.એમ.ઓ. નરેશ રાણાનો સંપર્ક કરવામાં આવતા કોલ રિસીવ કર્યા ન હતા.