- ઉદગમ, ઝેબર, સત્વ વિકાસ, કેલોરેક્સની ફી વધારવાની મંજૂરીની વિગતો RTIમાં વાલી મંડળે માંગી હતી
- FRCએ વાલીને વિગતો આપવાને બદલે જે તે શાળા સંચાલકો પાસે સંમતી માંગી કે વિગત આપું કે ના આપું?
અમદાવાદ. શહેરની નામાંકિત કહેવાતી ઉદગમ, ઝેબર, સત્વ વિકાસ, સંત કબીર, જે જી ઇન્ટરનેશનલ અને કેલોરેક્સ સ્કૂલ દ્વારા લેવાતી ફીની મંજૂરીના મામલે વાલી મંડળે ફી સમિતિમાં રાઈટ ટુ ઈન્ફર્મેશન (RTI) કરતા સમિતિએ આ વિગતો આપવી કે નહીં તે માટે શાળાઓની સંમતિ માંગી છે, ફી રેગ્યુલેટરી કમિટી (FRC) સ્કૂલ પાસે સંમતિ માંગીને પાછીપાની કરી હોય તેવો ઘાટ થયો છે.
દર વર્ષે સ્કૂલ FRC પાસે ફી વઘારો માંગે છે
ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળામાં ઉઘરાવતી બેફામ ફીને નિયંત્રિત કરવા ફી નિર્ધારણ સમિતિ એટલે કે FRCની રચના કરી હતી. જેમાં ખાનગી શાળાના ઓડિટના આધારે ફી નક્કી કરવામાં આવે છે, જેમાં શાળા દ્વારા દર વર્ષે ફી વધારો માંગવામાં આવે છે,
FRCએ સ્કૂલ સંચાલકોને મેઈલ કરીને હિસાબોની માહિતી RTI આપવા મંજૂરી માંગી
અમદાવાદ જિલ્લા વાલી મંડળના પ્રમુખ આશિષ કણઝરીયાએ FRC ગાંધીનગરમાં RTI કરીને અમદાવાદની મોટી ફી લેતી સ્કૂલો જેવી કે ઉદગમ સ્કૂલ, જેબર સ્કૂલ, સત્વ વિકાસ સ્કૂલ, સંત કબીર, જે જી ઇન્ટરનેશનલ સ્કૂલ, કેલોરેક્સ સ્કૂલ, એજુનોવા સ્કૂલની 2017થી 2020 સુધીની મોટી ફી ક્યાં કારણસર મંજૂર કરવામાં આવી છે. તે અંગે ઓડિટેડ હિસાબો માંગવામાં આવ્યા હતા..આ મામલે FRC દ્વારા સ્કૂલ સંચાલકને મેઈલ કરીને તમારા સ્કૂલોના હિસાબોની RTIમાં માહિતી આપીએ કે નહીં તેવું પૂછવામાં આવ્યું હતું,
ઓડિટ હિસાબ વાલીઓ જોઈ શકે તેમ મૂકાતો નથી
આશિષ કણઝરીયાએ આ અંગે DivyaBhaskarને જણાવ્યું હતું કે, ખરેખર આવી મોટી સ્કૂલોની મસ મોટી ફી મંજુર કરતી વખતે ક્યારેય સ્કૂલના વાલીઓને આ સ્કૂલો દ્વારા ખોટા ખર્ચ બતાવીને ફી કેટલી મંજૂર કરવી તે બાબતે વાલીઓને પૂછ્યું હોત તો સારું હોત. પરંતુ ખરેખર આવા જાહેર ટ્રસ્ટના હિસાબો દર વર્ષ જાહેર કરવા જ પડે. તેમજ એમની વેબસાઈટમાં FRC દ્વારા સ્કૂલ ફી મંજૂર કરેલી હોય તેની માહિતી અને દર વર્ષના ઓડિટ હિસાબ સ્કૂલના વાલીઓ જોઇ શકે તેમ મૂકવાનો પરિપત્ર પણ કર્યો હોવા છતાં તેનો અમલ કરાવાતો નથી.
મોટી ફી લૂંટવાનો સ્કૂલોને પરવાનો
આમ FRC દ્વારા ખાનગી સ્કૂલોની ખોટા ઓડિટેડ હિસાબો છૂપાવીને સ્કૂલોની ફી અંગે માહિતી છુપાવીને, ખાનગી સ્કૂલો એમને પગાર આપતી હોય. તેમ બધું ખાનગી સ્કૂલ સંચાલકને પૂછીને કરે છે. પરંતુ પગાર વાલીઓના ટેક્સના રૂપિયાથી લઈને વાલીઓને સાચી માહિતી ન આપીને, ખાનગી સ્કૂલોને મોટી ફી લૂંટવાનો પરવાનો આપવામાં આવે છે.