રાજકોટમાં સર્વિસ સેન્ટર, સ્કૂલ અને બાંધકામ સાઈટ સહિત 226 સ્થળો પરથી મચ્છરના બ્રિડિંગ મળ્યાં, મનપાએ 38500નો દંડ ફટકાર્યો

0
82

બાંધકામ સાઇટ પર લિફ્ટના ખાડા, સેલરમાં વરસાદી પાણી એકત્ર થયેલું જોવા મળ્યું હતું

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ઈન્ડસ્ટ્રિઝ, ગેરેજ, સાઈકલ સર્વિસ સ્ટેશન, બાંધકામ સાઇટ, ભંગારના ડેલા, પેટ્રોલ પંપ અને સ્કૂલ સહિત 227 સ્થળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 226 સ્થળ પરથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા 38 હજાર 500 રૂપિયાનો દંડ અને નોટિસ ફટકાવામાં આવી છે. બાંધકામ સાઈટ પર લિફ્ટના ખાડા, સેલરમાં વરસાદી પાણી એકત્ર થયેલું જોવા મળ્યું હતું. આ પાણીમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરના બ્રિડિંગ જોવા મળ્યા હતા. જ્યારે હોસ્પિટલની છત પર રાખેલા કુંડાઓ, સેલરમાં ભરાયેલા પાણીમાં મચ્છરના બ્રિડિંગ જોવા મળ્યા હતા.

રોગચાળો અટકાવવા ચેકિંગ હાથ ધરાયું
એક તરફ શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે અને બીજી તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી રોગચાળો વધુ ફેલાઈ છે. જેથી ડેન્ગ્યુ, મલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગો અટકાવવા માટે મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે દરમિયાન આજે 226 સ્થળો પરથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. જેથી તમામને નોટિસ ફટકારી દંડ ફટકારવામાં આવ્યો છે.

મચ્છરજન્ય રોગોથી બચવા સાફસફાઈ રાખવી
મચ્છરોના બ્રિડિંગ માનવસર્જિત પાત્રો જેવા કે સિમેન્‍ટના ટાંકા, બેરલ, કેરબા, માટલા, ટાયર, ફ્રિજની પાછળની ટ્રે, ફુલદાની, કુલર, ફુલછોડના કુંડા, ભંગાર, અગાશી, છજામાં જમા રહેતા પાણીમાં આ મચ્‍છર ઇંડા મૂકે છે. જેમાંથી 7-12 દિવસમાં પુખ્‍ત મચ્‍છર બને છે. જેના કારણે ડેન્ગ્યુ જેવા મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જેને અટકાવવા માટે બિનજરૂરી ડબ્બાડુબલી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો, પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરવા, ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરવું, પાણીની સિમેન્ટની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલા તમામ પાત્રો ઢાંકીને રાખવા, અગાશી, છજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરવો, છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરવો, ડેન્‍ગ્‍યુના મચ્‍છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમિયાન શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા જોઈએ. જેથી ડેન્ગ્યુ જેવા રોગોથી બચી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here