અમદાવાદ ફોર્મ્યુલાથી સુપર સ્પ્રેડર શોધી કોરોનાને કંટ્રોલમાં લેવા માટે સુરત અને સૌરાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ એક્ટિવ

0
351
  • સુપર સ્પ્રેડર શોધવા, કન્ટેઈનમેન્ટ ઝોન અને ધન્વંતરી રથ મારફતે ઘરેઘરે દવા પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી
  • આગામી બે સપ્તાહમાં અમદાવાદ ફોર્મ્યુલાથી રાજ્યમાં વધુ હોટસ્પોટ બનતા અટકાવવા માટેની વ્યૂહરચના

ગુજરાતમાં કોરોનાના હોટસ્પોટ અમદાવાદથી સુરત થઈને રાજકોટ તરફ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદની ફોર્મ્યુલાથી જ સુરત અને રાજકોટમાં પણ કેસ ઘટાડવાની કામગીરી ચાલી રહી છે. તેમાં પણ સુપર સ્પ્રેડરને શોધવાથી માંડીને સંક્રમિત સહિતના કન્ટેઈનમેન્ટ ઝોનમાં ધન્વંતરી રથ ફેરવવામાં આવશે. રાજ્યનો આરોગ્ય વિભાગ અમદાવાદ પેટર્ન પર સુરત અને સૌરાષ્ટ્રમાં કામગીરી માટે એક્ટિવ થઈ ગયો છે.

કોરોનાએ સંક્રમણની દિશા બદલી
ગુજરાતમાં કોરોના સંક્રમણે દિશા બદલીને અમદાવાદ બાદ અને સુરત અને સૌરાષ્ટ્ર બાજુ સતત વધી રહેલા સંક્રમણને ડામવા માટે અમદાવાદ જેવી સફળ ફોર્મ્યુલા પણ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યાં નિયંત્રણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓ અને CM-DyCMએ ત્યાં અધિકારીઓને સૂચના આપી
અમદાવાદ બાદ સુરત અને સૌરાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસો સંદર્ભે રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ વિસ્તારની મુલાકાત લીધી છે. તમામે ત્યાં અધિકારીઓ સાથેની બેઠકમાં જે રીતે અમદાવાદમાં કોરોનાનું હોટસ્પોટ બન્યું હતું. તેને ડામવા માટે જે ફોર્મ્યુલા અપનાવાઇ તે સુરત અને સૌરાષ્ટ્રમાં અપનાવવા સૂચના આપી છે.

શાકભાજી અને દૂધવાળાને ટેસ્ટ કરી ખાસ પાસ આપવા સૂચના
મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના ભાગરૂપે કોરોનાના સુપર સ્પ્રેડર એવા શાકભાજીવાળા, દૂધવાળા સહિતના લોકોને ખાસ પાસ આપીને તેમના ટેસ્ટ કરવા તથા તેમાં જે પોઝિટિવ જાહેર થાય તેને અલગ કરીને કોરોના સંક્રમણની કડી અટકાવવા જણાવ્યું હતું.

ટેસ્ટ વધારવાનો નિર્ણય
આ ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર પડે ત્યાં ટેસ્ટ વધારવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેટલા પોઝિટિવ કેસ નીકળે તેના 10 ગણા સુધી ટેસ્ટ થશે તેની સૂચના આપવામાં આવી છે.

એક પખવાડિયામાં કોરોના સંક્રમણ કાબૂમાં લાવવા સરકારની વ્યૂહ રચના
સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં આગામી એક પખવાડિયામાં કોરોનાનું સંક્રમણ પૂર્ણ રીતે કાબુમાં આવી જાય તે રીતે સારવાર સહિતની કામગીરી હાથ ધરવાની વ્યૂહરચના રાજ્ય સરકારે અપનાવી છે.